કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને જ્યારે ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ભાજપમાં જોડાવાની વાત મામલે ગેનીબેન ઠાકોરે કહ્યું કે તેમના ભાજપમાં જવાની વાત એક અફવા છે. તેમણે કહ્યું કે, ભાજપ તરફ હું ઓશીકું પણ ન રાખું.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ભાભર તાલુકાના વાવ ખાતે કોંગ્રેસ પાર્ટીના સંકલ્પ સત્યાગ્રહ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ભાભર આર્ય સમાજના મંદિરે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, હાલ મારા ભાજપમાં જવાની વાતો થઈ રહી છે. પરંતુ આ વાતો માત્ર અફવા છે.
33 ટકા મહિલા અનામતની માગ
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ તરફ હું ઓશીકું પણ ન રાખું. ગેનીબેન ઠાકોરે વાવ, ભાભર અને સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યક્રમમાં ભાજપમાં જોડાવા અંગે થતી અફવાઓ પર તેમણે પૂર્ણવિરામ મૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર વિવિધ મુદ્દે અવારનવાર ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા હોય છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ ગેનીબેન ઠાકોરે અનેકવાર મહિલા અનામતનો મુદ્દે ઉછાળ્યો છે. તેમણે વિધાનસભા-લોકસભામાં 33 ટકા મહિલા અનામતી માગ કરી છે.