ભારતના રમત મંત્રી કિરણ રિજિજૂએ સોમવારે અહીં કહ્યું હતું કે ભારતે આવતા મહિને પાકિસ્તાનમાં યોજાનારા ડેવિસ કપમાં ભાગ લેવો જોઇએ કે નહીં તે અંગે સરકાર કંઇ કહેશે નહીં, કારણકે આ ઇવેન્ટ કોઇ દ્વિપક્ષિય કાર્યક્રમનો હિસ્સો નથી.
તેમણે મંત્રાલયના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો આ સ્પર્ધા દ્વિપક્ષિય હોત તો શું ભારત પાકિસ્તાન સામે રમે કે કેમ તે એક રાજકીય નિર્ણય ગણાયો હોત. પણ ડેવિસ કપ દ્વિપક્ષિય નથી અને વર્લ્ડ સ્પોર્ટ્સ એકમ દ્વારા તે આયોજિત થાય છે.
ભારતે કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી તે પછી પાકિસ્તાન સાથેના ઉચ્ચ રાજકીય તણાવને કારણે 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાનારી એશિયા-ઓશિનિયા ઝોન ગ્રુપ-1 ડેવિસ કપ ટાઇમાં ભારતની ભાગીદારી સામે અનિશ્ચિતતાના વાદળ ધેરાયા છે. રિજિજૂએ કહ્યું હતું કે ભારત ઓલિમ્પિક્સ ચાર્ટરનો હિસ્સો હોવાને કારણે ભારતના ભાગ લેવા અંગે સરકાર કે નેશનલ ફેડરેશન કંઇ કરી શકે તેમ નથી.