ગાંધીનગર: કોરોના સંક્રમના કારણે ભારત સરકારે 25મી માર્ચે લોકડાઉન શરૂ કર્યા પછી દેશના અન્ય શહેરોની જેમ ગુજરાતના શહેરો તેમજ નદીઓના પ્રદૂષણની માત્રામાં ચોંકાવનારો ઘટાડો થયો હતો પરંતુ હવે અનલોક-1નો અમલ શરૂ થતાં ફરીથી પ્રદૂષણની માત્રા ધીમે ધીમે વધી રહી છે. હવામાં તરતા રજકણોની સંખ્યા વધુ જોવા મળી રહી છે.
રાજ્યના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે રાજ્યના શહેરોમાં લોકડાઉનના કારણે હવામાં પ્રદૂષણની માત્રા 50 થી 60 ટકા ઘટી હતી. એપ્રિલ મહિનામાં બોર્ડે કરેલા અભ્યાસમાં હવામાં તરતાં રજકણો, એસઓ-ટુ અને એનઓટુના પ્રમાણમાં ચોંકાવનારો ઘટાડો થયો હતો.રાજ્યના ઔદ્યોગિક વિસ્તાર અમદાવાદ-વટવા, અંકલેશ્વર, વાપી સહિત અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઘટતા હવાની ગુણવતા સુધરી હતી. કોરોનાની સાઇડ ઇફેક્ટ સારી રહેતાં હવે રાજ્યમાં ઉદ્યોગોએ પણ ખાસ વિસ્તારોમાં હવાના ઓનલાઇન મોનિટરિંગ સ્ટેશન મૂકવાની માંગણી કરી છે.
કોરાનાને કારણે ઉદ્યોગો અને વાહન વ્યવહાર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. ઉદ્યોગો માર્ચના છેલ્લા સપ્તાહ અને એપ્રિલ મહિનામાં બંધ રહ્યા હોવાથી બોર્ડે લોકડાઉન દરમિયાન હવાની ગુણવત્તા અંગે અભ્યાસ કર્યો હતો. લોકડાઉનનો સમય અને તેની અગાઉના સપ્તાહનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો.હવાના પ્રદૂષણના અભ્યાસ માટે પાંચ માપદંડો લેવામાં આવ્યા હતા, જેમાં પાર્ટિક્યુલેટ મેટર, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિડાઇઝ ઓફ નાઇટ્રોજનનો સમાવેશ થાય છે. બોર્ડે રિપોર્ટમાં નોંધ્યું છે કે લોકડાઉનમાં વાહનો અને ઉદ્યોગો બંધ હોવાથી હવામાં પાર્ટિકલનું પ્રમાણ ઘટ્યું છે.
એર પોલ્યુશન માત્ર વ્હિકલનું જ હોતું નથી પરંતુ શહેરોમાં ખરાબ રસ્તાને કારણે પણ હવામાં પ્રદૂષણ વધે છે. રિયલ એસ્ટેટની સ્કીમોના કારણે પણ પ્રદૂષણ થાય છે. આ સંજોગોમાં કેટલાક પર્યાવરણ વાદીઓએ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન મુકેશ પુરીને એવી રજૂઆત કરી છે કે લોકડાઉન દરમ્યાન બોર્ડે અભ્યાસ કર્યો છે ત્યારે ભવિષ્યમાં પ્રદૂષણ ઘટાડવા અંગે એક્શન પ્લાન બનાવવાની જરૂરિયાત છે.બોર્ડના મેમ્બર સેક્રેટરી અનિલ શાહે કહ્યું હતું કે, અભ્યાસના સમયગાળા દરમિયાન ઉદ્યોગો, વાહન વ્યવહાર અનો લોકોની અવરજવર બંધ હોવાથી સ્વભાવિક છે કે પ્રદુષણનું સ્તર ઘટ્યું છે. આ સમયમાં આપણે કુદરતની નજીક ગયા હતા પરંતુ હવે બઘું ચાલુ થતાં એ જોવાનું રહે છે કે પ્રદૂષણની માત્રા ક્યાં પહોંચે છે. અમે તેનો પણ અભ્યાસ કરવાના છીએ. જો કે નદીના પાણીની ગુણવત્તા સુધરી હોવાનું તેમણે કબૂલ કર્યું છે અને કહ્યું છે કે આ ગુણવત્તા જળવાઇ રહે તે દિશામાં બોર્ડ વિચારશે.