આજે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં 16 મિનિટમાં ઉપરા ઉપરી ભૂકંપના ત્રણ આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
સૌથી પહેલા સવારે 4.9 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો. બીજો આંચકો 4.23 કલાકે આવ્યો હતો જ્યારે ત્રીજો આંચકો બે મિનિટ પછી એટલે કે 4.25 કલાકે આવ્યો હતો.
જે પૈકી 4.23 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી જ્યારે 4.25 પર આવેલા ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ હતી.
ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા અને ભૂકંપ એટલો જોરદાર હતો કે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો.
જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ટ્વીટ કરીને ભૂકંપની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે જયપુરમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.