ગાંધીનગર – ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેમની જ પાર્ટીના વધુ એક ધારાસભ્ય બદરૂદ્દીન શેખને પણ પોઝિટીવ બનાવ્યા છે. એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશર વિજય નહેરા કહે છે કે કોંગ્રેસના ધારાસભ્ય અને એએમસીમાં વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાની ઝપટમાં કોંગ્રેસના બે ધારાસભ્યો આવી ચૂક્યાં છે ત્યારે સરકારનું ટેન્શન વધ્યું છે, કારણ કે આ બન્ને ધારાસભ્યો ગઇકાલે સચિવાલયમાં ઘણાં લોકોને મળ્યા હતા. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને સતત બે દિવસથી તાવ હતો અને ગળામાં દુખાવાની ફરિયાદ હતી તેમ છતાં તેઓ પરવા કર્યા વિના ટેસ્ટ કરાવીને સીધા સચિવાલય આવી ગયા હતા. તેમની સાથે કોંગ્રેસના બીજા ધારાસભ્ય બદરૂદ્દીન શેખ હતા.
કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળ્યા હતા. ખેડાવાલાની બેદરકારીના કારણે આખી સરકાર ટેન્શનમાં આવી ચૂકી છે. કોંગ્રેસના ધારાસભ્ય થકી કોરોના વાઇરસનું સંક્રમણ સીધું સચિવાલય સુધી પહોંચી ગયું છે. ઇમરાન ખેડાવાલા છેલ્લા 25 દિવસથી તેમના મતવિસ્તારમાં લોકોની સેવા માટે કાર્યરત હતા તેથી તેમને ચેપ લાગી ચૂક્યો હતો. શંકાસ્પદ દર્દી હોવા છતાં સચિવાલય આવ્યા હતા.
કોંગ્રેસના આ બન્ને ધારાસભ્યો ઉપરાંત દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર પણ મુખ્યમંત્રીની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા, જો કે તેઓ હાલ ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે ઇમરાન ખેડાવાલા સચિવાલયમાં જેટલા લોકોને મળ્યા છે તેમણે તમામે હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે. 14 દિવસ સુધી સંપર્કમાં આવેલા વ્યક્તિઓ બહાર નિકળી શકશે નહીં. રાજ્ય પોલીસ ઇમરાન ખેડાવાલા સામે પોલીસ કેસ કરવાનું વિચારી રહી છે.
ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર ખાતે જે હોલમાં બેસીને પ્રેસને સંબોધી હતી તે પ્રેસ હોલની જગ્યાએથી પોલીસ વડા શિવાનંદ ઝા અને આરોગ્ય સચિવ જ્યંતિ રવિ પણ પત્રકારોને સંબોધતા હોવાથી આ પ્લેસને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.
મોડી રાત્રે સ્વર્ણિમ સંકુલ-1માં ત્રીજા માળે આવેલી મુખ્યમંત્રીની ઓફિસને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત જિલ્લા એસપીને સ્વર્ણિમ સંકુલના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી ઇમરાન ખેડાવાલા કોના-કોના સંપર્ક આવેલા તેનો રિપોર્ટ તૈયાર કરવા આદેશ મળતાં સ્વર્ણિમ સંકુલમાં પોલીસ અને તબીબી ટીમોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સંભવ છે કે ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા તમામ પત્રકારોને હોમ ક્વોરેન્ટાઇનના આદેશ આપવામાં આવી શકે છે. દરમ્યાન આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસને સંબોધન કર્યું ન હતું. જ્યારે પોલીસ વડાએ પણ સંબોધન મુલત્વી રાખ્યું છે.