ગાંધીનગર—કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ભલભલી મોટી કંપનીઓનો સોંથ વળી ગયો છે. કંપનીનો બિઝનેસ ખતમ થઇ ચૂક્યો છે તેવામાં પવન સાથે સઢ બદલતી કંપનીના સંચાલકોએ રસ્તા બદલી નાંખ્યા છે. નવો ધંધો વિકસાવ્યો છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.અમદાવાદમાં એવા કેટલાય ઉદાહરણ છે કે જેઓ શું વેચતા હતા અને હવે શું વેચી રહ્યાં છે. જે કંપનીઓ શેનું ઉત્પાદન કરતી હતી અને હવે શેનું ઉત્પાદન કરી રહી છે. કોરોના સંક્રમણે બિઝનેસની દુનિયા બદલી નાંખી છે. જેમાં ટપ્પો પણ પડે નહીં તેવો ધંધો અપનાવવાનું શરૂ કર્યું છે, આ કંપનીઓ જરૂર પડે તો એવા લોકોની ભરતી કરે છે કે જેઓ તે બિઝનેસના એક્સપર્ટ હોય.
અમદાવાદ અને સાણંદમાં રિસોર્ટ ધરાવતી કંપની વ્હિસલિંગ મેડોઝ હવે ઓનલાઇન ગ્રોસરી તરફ વળી છે. વ્હિસલિંગ મેડોઝ વેડિંગ અને કેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રૂપલ ઘિયાએ જણાવ્યું હતું કે, અમે વ્હિસલિંગ મેડોઝ રિસોર્ટ અને કેપ્સિકમ રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે વેડિંગ પણ ઓર્ગેનાઇઝ કરી આપતા હતા.આ ત્રણેય બિઝનેસ પર કોરોના લોકડાઉનની નકારાત્મક અસર થઈ છે અને રિકવરીમાં હજુ સમય લાગે તેમ છે. અમે રેસ્ટોરન્ટ માટે સીધા ખેડૂતો પાસેથી ફ્રૂટ અને શાકભાજીની જથ્થાબંધ ખરીદી કરતા હતા. તેથી અમે ઓનલાઇન સેવા આપી શકાય તે માટે વેબસાઇટ અને વોટ્સએપ પર ઓર્ડર ચાલુ કરી દીધા છે.
આ માટે ટૂંક સમયમાં એપ પણ લોંચ થશે. કોરોના અગાઉ અમારા રિસોર્ટમાં મોટા વેડિંગ આયોજન થતાં હતાં. હવે વેડિંગ પર નિયંત્રણો આવતાં અમે વધુ પાર્ટી પ્લોટ સાથે એક્સ્ક્લુઝિવ ટાઇ-અપ કરીને બિઝનેસ મેળવવાની સ્ટ્રેટેજી અપનાવવા વ્હીસલિંગ મેડોઝ વેડિંગ નામની કંપની પણ બનાવી છે. અમે આગામી સીઝનના લગ્નના બૂકિંગ માટે કામગીરી પણ શરૂ કરી દીધી છે.એવી જ રીતે અમદાવાદ સ્થિત અજય મોદી ટૂર આયોજકે પણ નવા જ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે.
અજય મોદી ટૂર્સના ડિરેક્ટર આલાપ મોદીએ જણાવ્યું હતું કે, ટૂરિઝમ સેક્ટરમાં પૂર્વવત્ સ્થિતિ ક્યારે આવશે તેની ખબર નથી ત્યારે અમે પણ ટૂરિઝમની સાથે જ અન્ય એક બિઝનેસ શરૂ કર્યો છે.અમે ગણેશ મસાલાની સુપર સ્ટોકિસ્ટશિપ લીધી છે અને કામગીરી શરૂ કરી દીધી છે. ટૂરિઝમ સેક્ટરને રિવાઇવ થતાં સમય લગાશે તેથી તે સમય દરમિયાન અમે જીવન જરૂરિયાતની ચીજના વેચાણ માટેની કામગીરી કરી રહ્યા છીએ. અમે કર્મચારીઓને પણ તેમાં જોડીને નોકરી સતત રાખવા જણાવી રહ્યા છીએ.આ ઉપરાંત એડ્વર્ટાઇઝિંગ ક્ષેત્રે કાર્યરત 369 મીડિયા કન્વર્ઝન્સ કંપનીના સ્થાપક રાહુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં એક બિઝનેસ પર નિર્ભર રહેવા કરતાં ડાયવર્સિફિકેશન કરવું જરૂરી છે.
લોકો પર્યાવરણના રક્ષણ અને આરોગ્ય સંભાળ અંગે સાવધાન થયા છે ત્યારે અમે સારું આરોગ્ય આપતો પ્રોજેક્ટ હાથ ધરવા જઈ રહ્યા છીએ. જેમાં અમે ગૌશાળા નિર્માણ કરીને તેના દૂધ-ઘી પૂરાં પાડીને ખાનપાનના જૂના ટ્રેન્ડને પ્રજા સુધી લઈ જવા માટે નેચરલ ચીજવસ્તુઓ યોગ્ય રીતે મળે તેવા પ્રયાસો કરવાના છીએ.