જો તમે નવી કાર કે બાઇક- એક્ટિવ ખરીદવાનું વિચારી રહ્યા છે તો જલ્દી ખરીદી લેજો કારણ કે ઓટો કંપનીઓ વાહનોના ભાવ વધારી રહી છે. હવે દિગ્ગ્જ કાર કંપની હોન્ડાએ ભારતમાં તેની કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દરો ઓગસ્ટથી લાગુ થશે.
કારની કિંમતો વધારવા મુદ્દે હોન્ડા કંપનીએ મોંઘા થઇ રહેલ સ્ટીલ સહીતની અન્ય ધાતુઓને જવાબદાર ઠેરવી છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) રાજેશ ગોયલે જણાવ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત અન્ય ધાતુઓની કિંમતોમાં વધારાને કારણે કારના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે મોંઘી ધાતુઓથી અમારો ખર્ચ ઘણો વધી રહ્યો છે. હોન્ડા સિટી, અમેઝ સહિત ભારતીય બજારમાં કંપની અનેક મોડેલોનું વેચાણ કરે છે. કંપની કઇ કાર પર કિંમત વધારશે, તે અંગે હાલમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજેશ ગોયલે જણાવ્યું હતું કે કંપની હાલમાં પ્રાઇસ હાઇકની વિગતો પર કામ કરી રહી છે જે ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે.
તેઓએ કહ્યું હતું કે અમારું લક્ષ્ય ગ્રાહકો માટે ખરીદ કિંમતને ઓછી રાખવાનું છે. હાલ અમે આ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે વધારાના ખર્ચનો કેટલો બોઝ અમે વહન કરીયે અને કેટલો ગ્રાહકોના માથે નાંખીયે. આ અગાઉ મારુતિ ઇન્ડિયાએ પણ પોતાની કારના ભાવમાં વધારો કર્યો હતો. 2021માં કંપનીએ ત્રીજી વખત કિંમતમાં વધારો કરતી વખતે જુદા જુદા મોડેલો પર કારના ભાવમાં લગભગ 34 હજાર રૂપિયા વધારો કર્યો હતો.