રાણકદેવી મહેલ, અડીકડી વાવ, નવઘણ કૂવો, પુરાતન અનાજના કોઠારોનું પણ થઇ રહ્યું છે નવિનીકરણ
સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેક પણ બનશે, ઉપરકોટ નિહાળતા 4 કલાક લાગશે
વર્ષ 2020માં જૂનાગઢને ગિરનાર રોપ-વે મળ્યો જેનાથી પ્રવાસીઓની દિશામાં એક નવી શરૂઆત થઇ. પ્રવાસન ક્ષેત્રને વધુ વિકસીત કરવા અને વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું પણ રિનોવેશન ચાલી રહ્યું છે. આ રિનોવેશન એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. તેની પાછળ રૂપિયા 45 કરોડનો ખર્ચ થશે.
આ નવિનીકરણમાં ઉપરકોટના કિલ્લાની રાંગ ઉપરાંત રાણકદેવી મહેલ, અડિકડીવાવ, નવઘણ કૂવો, અનાજના કોઠારોનો સમાવેશ થાય છે. તેમજ ઉપરકોટમાં સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકનું પણ નિર્માણ થશે. નવા વર્ષમાં પ્રવાસીઓને ઉપરકોટ નવા રંગરૂપમાં જોવા મળશે.
5.46 કરોડના ખર્ચે મકબરાનું પણ રિનોવેશન
જૂનાગઢમાં ઐતિહાસિક ઇમારતો અને દરવાજાનું રિનોવેશન ચાલી રહ્યું છે. શહેરમાં આવેલા મજેવડી ગેઇટ, સરદાર ગેઇટ, સર્કલ ચોકનું રિનોવેશન થયું છે. આ ઉપરાંત મહાબત અને બહાઉદ્દીન મકબરાના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. રૂપિયા 5.46 કરોડના ખર્ચે આ બન્ને મકબરાનું રિનોવેશન થશે. રિનોવેશનનું કામ 1 વર્ષ સુધી ચાલશે. જે સ્વરૂપમાં મકબરા છે તે જ સ્વરૂપમાં તેને બનાવવામાં આવશે.
નિર્માણ કાર્ય સાથે
12 એન્જિનીયર, 1 સેફ્ટિ એન્જિનીયર, 2 કન્વઝેશન આર્કિટેક, 30 શીલ્પકાર, 30 કડિયા, 4 સુપરવાઇઝર, 300 મજૂર દ્વારા ઉપરકોટનું રિનોવેશન થઇ રહ્યું છે.
કેટલી કામગીરી થઇ, કેટલી બાકી ? શું થશે ? જે તમે જાણવા માંગો તે બધુ 3500 કાંગરા ઉપરકોટની રાંગ ફરતે આવેલા છે. જર્જરીત કાંગરાનું રિનોવેશ તેમજ નાશ પામેલા કાંગરા નવા બનાવાશે.
31,000 ઘન ફૂટ સેન્ડ સ્ટોન પથ્થર તેમજ 30 હજાર ઘન ફૂટ લાઇમ સ્ટોન પથ્થરનો ઉપયોગ કરાયો છે. 10 હજાર ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થવાનો અંદાજ.
600 ટન ચૂનાનો ઉપયોગ થયો. તેમજ 37 ટન ગોળ વપરાયો છે. ચૂનો, ગોળ, અડદ, મેથીથી ચણતર કરાઇ રહ્યું છે.
2,000 ટન ઓઝત નદીની રેતીનો ઉપયોગ થયો છે. જ્યારે 250 ટન ભોગાવો નદીની રેતીનો ઉપયોગ થયો છે. હાલ ઉપરકોટના 10 સ્ટ્રકટરનું કામ ચાલી રહ્યું છે.
2.5 Km નો પાથ વે તૈયાર થઇ ચૂક્યો છે., 2 મીટર નો સાયકલ ટ્રેક બનાવાશે.
20,000 પ્રવાસીઓ એક સાથે ઉપરકોટ નિહાળતા હશે છતાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે નહીં.
એન્ટ્રી બદલાશે રાણક દેવીના મહેલની. વર્તમાન સમયમાં એન્ટ્રી ગેઇટ આવેલો છે તેને બંધ કરી ભૂતકાળમાં જ્યાંથી હલાણ હતું તે જગ્યાના અવશેષો મળતા ત્યાંથી જ એન્ટ્રી ગેઇટ બનાવવામાં આવશે.
અનાજના અનાજના કોઠારમાં સિમેન્ટનું કોટીંગ દૂર કરવામાં આવશે. અને હેરીટેજ જેવો લુક આપવામાં આવશે.
215 પગથીયા અડીકડી વાવના છે. તે પૈકી 115 પગથીયા નવા બનાવવામાં આવ્યા. અડીકડી વાવના રિનોવેશનમાં લોખંડના 5 હજાર પાલકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.