સનાતન ધર્મમાં ચંદ્રની ગતિ અને તેના રાશીઓમાં ભ્રમણને ઘણું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રની કળાઓના માધ્યમથી જ ચંદ્ર માસમાં તિથી અને તહેવારોનું નિર્ધારણ થાય છે.
એક ચંદ્ર માસમાં બે પખવાડિયા હોય છે. એક સુદ પખવાડિયું અને બીજુ વદ પખવાડિયું. સુદ પખવાડિયા દરમિયાન ચંદ્ર સતત દિવસેને દિવસે વધતો જાય છે, અને સુદ પખવાડિયાના છેલ્લા દિવસે પુર્ણિમા ઉપર સંપૂર્ણ સ્વરૂપમાં હોય છે. અને વદ પખવાડિયા દરમિયાન ચંદ્ર ઘટતા ક્રમમાં આગળ વધે છે અને ધીમે ધીમે અમાસ તરફ આગળ વધે છે. વદ પખવાડિયાના છેલ્લા દિવસને અમાસના રૂપમાં ઊજવવામાં આવે છે.
અમાસના દિવસે દાન પુણ્ય અને સ્નાનનું આગવું મહત્વ છે, પરંતુ તે મહત્વ ત્યારે ઘણું વધી જાય છે જયારે અમાસ સાથે કોઈ વિશેષ તિથી કે માન્યતા જોડાઈ જાય. એક વર્ષમાં આવતી અમાસમાં સોમવતી અમાસ સાથે જ એક એવી જ અમાસ મૌની અમાસ પણ છે, જેનું ધાર્મિક મહત્વ ઘણું વધુ છે.
પોષ માસના વદ પખવાડિયાની અમાસને મૌની અમાસના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2021 માં મૌની અમાસ 11 ફેબ્રુઆરીના દિવસે આવવાની છે. હિંદુ ધર્મમાં માનતા લોકો માટે મૌની અમાસ આસ્થા, વ્રત, દાન-પુણ્ય અને ધર્મના કામ કરવાનો દિવસ હોય છે.
મૌની અમાસ પાછળ ધાર્મિક અને સામાજિક બંને પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. પૌરાણીક માન્યતાઓ મુજબ, મૌની અમાસના દિવસે દેવગણ સહપરિવાર પવિત્ર સંગમમાં નિવાસ કરે છે. આ દિવસે તમને ગંગા સહીત તમામ મહત્વની નદીઓ ઉપર ભક્તો અને ધર્મ પ્રેમીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળશે.
મૌની અમાસના રોજ વ્યક્તિએ સવારના પહેલા કિરણ સાથે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવું જોઈએ. ઘણા બીજા પૌરાણીક ગ્રંથો મુજબ આ દિવસે વ્યક્તિ તેની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, અને આખો દિવસ કે પછી થોડા સમય માટે મૌન વ્રત ધારણ કરે છે. આ વિષે શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે, મોઢેથી જાપ કરવાથી કેટલાય ગણું વધુ પુણ્ય મૌન રહીને જાપ કરવાથી મળે છે. મૌની અમાસ ઉપર આખો દિવસ મૌન ધારણ કરવાનું મહત્વ માનવામાં આવે છે.
આમ તો આજની નવી પેઢી માટે એવું કરવું થોડું મુશ્કેલ છે. એટલા માટે દાન સ્નાનથી સવા કલાક પહેલા પણ જો મૌન ધારણ કરવામાં આવે, તો તેનાથી દાનનું ફળ કેટલાય ગણું વધારે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે, જો આ દિવસે વ્યક્તિ સંપૂર્ણ નિયમ સાથે મૌન વ્રતનું પાલન કરીને ભગવાન શિવ અને વિષ્ણુની આરાધના કરે છે, તો તેના તમામ ખોટા કર્મોનો અંત થઈ જાય છે.
મૌની અમાસ તિથી પ્રારંભ – 11 ફેબ્રુઆરી ગુરુવાર, 01:08 AM
મૌની અમાસ તિથી સમાપ્ત – 12 ફેબ્રુઆરી શુક્રવાર, 12:35 AM
શાસ્ત્રો મુજબ મૌની અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી દાન કરવાથી પુણ્ય ફળ કેટલાય ગણું વધી જાય છે. આ દિવસનું ધાર્મિક મહત્વ વધુ છે. માન્યતાઓ મુજબ મૌની અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી પોતાના પિતૃના નામે જળ અર્પણ કરવાથી, અને દાન કરવાથી પિતૃને શાંતિ મળે છે. મૌની અમાસના દિવસે વ્રત ધારણ કરવાવાળા વ્યક્તિને ધન, વસ્ત્ર, ગાય, જમીન, સોનું, અન્ન, તલ અને બીજા પ્રકારની પ્રિય વસ્તુઓનું દાન કરવું જોઈએ.
મૌની અમાસનું મહત્વ ધર્મ સાથે જ જ્યોતિષ સાથે પણ જોડાયેલું છે. વૈદિક જ્યોતિષ મુજબ જયારે પોષ માસમાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં એક સાથે ભેગા થાય છે, ત્યારે મૌની અમાસ ઊજવવામાં આવે છે.
મૌની અમાસના દિવસે ચંદ્ર અને સૂર્ય બંને જ ગ્રહોની સંયુક્ત ઉર્જાની અસરને કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી જાય છે. મકર રાશીચક્રની દશમી રાશી છે અને સૂર્ય કુંડળીના દસમાં ગૃહમાં બળવાન હોય છે. જ્યોતિષમાં સૂર્યને પિતા અને ધર્મના કારક માનવામાં આવે છે, એટલા માટે મકરમાં સૂર્ય અને ચંદ્રના ભેગા થવા પર મૌની અમાસનું પર્વ ઊજવવામાં આવે છે.