અખાત્રીજ
વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે.
અક્ષય તૃતીયા શુક્રવારે 14 મે 2021 ના રોજ આવે છે. હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર અક્ષય તૃતીયા પર ઉજવવામાં આવે છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા મુજબ અક્ષય તૃતીયા એ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથી છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે. તેથી, અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો ધંધો, ધાર્મિક વિધિ પૂજા અને સોનાની ખરીદી માટે આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
તૃતીયાની તારીખ: 14 મે 2021 ના રોજ સવારે 05.38 વાગ્યે.
તૃતીયા તિથિનું સમાપન: 15 મે 2021 ના રોજ સવારે 07 થી 59 મિનિટ છે.
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે. અક્ષય તૃતીયા નાં દિવસે દેવી લક્ષ્મીની સાથે વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયાની ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ સાથે, સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયા સાથે કરવામાં આવી છે.
અક્ષય તૃતીયા પર ખાસ ધ્યાન રાખવું
અક્ષય તૃતીયા પર કોઈને નુકસાન ન કરવું જોઈએ.
આ દિવસે કોઈપણ પ્રકારના અન્યાયથી બચવું જોઈએ.
કોઈની ઉપર ગુસ્સો ન કરો.
સાત્વિક ખોરાક લો. માંસ, માછલી અને આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો.
અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી. કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમને અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્ર તેમની પાસે બાર વર્ષ સુધી રહ્યું હતું . આ અક્ષયપાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં જેમાંથી પાંડવોએ દુર્વાસાને જમાડ્યા હતા.
પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ પ્રભુ પાસે પહોંચી ગઈ અને પોતાનું મહત્વ બતાવવા લાગી. પૂર્ણિમા, ચૌદસ તેરસ, અગિયારસ વગેરે પોતાનું મહત્વ જણાવ્યું. પૂર્ણિમાએ શરદ પૂનમ્નું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. ચૌદસે અનંત ચૌદસનું મહત્વ બતાવતાં જણાવ્યું કે હું મોટી. દશમ વિજયા દશમીનું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. આમ બધી તિથિઓ પોતાનું મહત્વ જણાવતી ગઈ. પરંતુ ત્રીજ [તૃતીયા] એક બાજુએ ઊભી ઊભી રડતી હતી. પ્રભુએ તેને બોલાવી પૂછ્યું શા માટે રડે છે ? ત્યારે તેણે જણાવ્યું કે મારું તો કાંઈ મહત્વ જ નથી. ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતાં જણાવ્યું કે રડીશ નહી વૈશાખ સુદ ત્રીજ તુ અક્ષયત્રીજ તરીકે ઓળખાશે અને એ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય.
આમ એ દિવસથી અક્ષયતૃતીયાનું મહત્વ વધી ગયું. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે.
આજે વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામનો જન્મદિવસ ગણાય છે. એમનો જન્મ ત્રેતા યુગમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાને ત્યાં થયો હતો.. તેઓ હંમેશા પોતાની પાસે ફરસી એટલે પરશુ રાખતા તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાતા. કહેવાય છે કે તેમણે કેરાલા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણથી મલબાર વચ્ચેના ક્ષેત્રમાં સમુદ્રને આગળ અટકાવ્યો હતો. આથી આ વિસ્તારને પરશુરામક્ષેત્ર કહેવાય છે.