GST નો કાયદો પસાર કરવા માટે આગામી તા. ૯ મેના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવી હોવાનું રાજ્યના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગુજરાતના સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગેનો કાયદો (GST), રાજયમાં તા.૦૧.૦૭.૨૦૧૭થી અમલમાં લાવવા માટે ગુજરાત વિધાનસભામાં આ અંગેનું વિધેયક પસાર કરવાનું જરૂરી છે. જેના અંતર્ગત આગામી તા. ૯ મી મે ૨૦૧૭ ના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક મળશે.
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું સભાગૃહ જે તા.૩૧મી માર્ચના રોજ અધ્યક્ષે અચોક્કસ મુદત માટે મુલત્વી રાખ્યું છે, તેની એક દિવસની બેઠક આગામી તા.૯મી મે-૨૦૧૭ના રોજ બોલાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અન્વયે અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા તા. ૯મી મેના રોજ વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવશે અને જાહેર હિતમાં જી.એસ.ટી ના વિધેયકની ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવશે તેમ પણ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે સમગ્ર દેશમાં છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી GST ના કાયદાને અમલી બનાવવા માટે કેન્દ્રની ભાજપ સરકાર મથામણ કરી રહી છે. સંસદના બંને ગૃહોમાં આ જીએસટીના કાયદાને પસાર કરાવવા માટે ભારે પ્રયત્નો કરવા પડ્યા હતા. સંસદના બંને ગૃહોમાંથી જીએસટીનો કાયદો પસાર થઈ ગયો છે ત્યારે હવે તેને દેશની તમામ રાજ્ય સરકારોએ તેમની વિધાનસભામાં પસાર કરવો પડશે. જેના અંતર્ગતગુજરાતની ભાજપ સરકાર દ્વારા આગામી તા. ૯ મેના રોજ એક દિવસ માટે વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી છે.