Prayagraj Mahakumbh: મહાકુંભમાં ગંગા અને યમુનાના પાણીમાં વધ્યું પ્રદૂષણ, CPCB રિપોર્ટમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા
Prayagraj Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન ગંગા અને યમુના નદીઓમાં પ્રદૂષણમાં અણધાર્યો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, મહાકુંભ દરમિયાન ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ ખતરનાક સ્તરે વધી ગયું છે. આ બેક્ટેરિયા પાણીમાં ગટરના દૂષણનું સૂચક હોવાનું જાણવા મળ્યું છે, જે નહાવા માટેના પાણીની ગુણવત્તાને અસર કરે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગંગા અને યમુના નદીઓમાં ફેકલ કોલિફોર્મનું સ્તર સ્નાન માટે માન્ય પ્રાથમિક પાણીની ગુણવત્તાના ધોરણો કરતા વધારે હતું.
CPCB એ જણાવ્યું કે, પાણીમાં ફેકલ કોલીફોર્મની મર્યાદા 2500 યુનિટ પ્રતિ 100 મિલી હોવી જોઈએ, જ્યારે પ્રયાગરાજમાં અનેક સ્થળોએ આ મર્યાદા પાર થઈ ગઈ હતી. જેના કારણે નદીમાં પ્રદૂષણના સ્તરે વધારો થયો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ UP સરકારને આદેશ આપ્યો હતો કે તે શ્રદ્ધાળુઓને ગંગા અને યમુના ના પાણીની ગુણવત્તા વિશે માહિતગાર કરે, જેથી લોકો જાણી શકે કે જ્યાં તેઓ ડૂબકી લગાવા જઇ રહ્યા છે, ત્યાંનું પાણી સુરક્ષિત છે કે નહીં.
આ પહેલી વાર નથી જ્યારે પાણીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા હોય. CPCBના રિપોર્ટમાં 2019ના કુંભ મેળા દરમિયાન પાણીની ગુણવત્તા નબળી હોવાનું પણ નોંધાયું હતું, જેમાં બીઓડી અને ફેકલ કોલિફોર્મનું પ્રમાણ વધુ હતું. ત્યારે પણ મુખ્ય સ્નાન દિવસોમાં પાણીની ગુણવત્તા ધોરણ કરતાં વધુ ખરાબ હતી. NGT એ હવે યુપી સરકારને ગટર વ્યવસ્થાપન માટે એક યોજના અમલમાં મૂકવા અને ગંગા પાણીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.