Pahalgam Terror Attack જામા મસ્જિદથી પાકિસ્તાનને સંદેશ: ‘માનવતાને બચાવો, આ નરસંહાર બંધ કરો’
Pahalgam Terror Attack જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાના પગલે આખા દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. દેશના મુસ્લિમ સમુદાયે પણ આતંકવાદ વિરુદ્ધ મજબૂત અવાજ ઉઠાવતાં પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. શુક્રવાર, 25 એપ્રિલના રોજ દિલ્હી સ્થિત ઇતિહાસપ્રસિદ્ધ જામા મસ્જિદના પગથિયાં પર મોટી સંખ્યામાં મુસ્લિમો ભેગા થયા અને ‘પાકિસ્તાન, આ નરસંહાર બંધ કરો’ કહીને વિરોધ નોંધાવ્યો.
જામા મસ્જિદ ખાતે નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો ત્રિરંગા અને પાકિસ્તાન વિરોધી બેનરો સાથે એકઠા થયા. કેટલાક બેનરો પર લખેલું હતું, “એક નિર્દોષનો ઢાળવો એ આખી માનવતાની હત્યા છે” અને “અતિવાદનો નાશ જરૂરી છે.” આ શાંતિપૂર્ણ વિરોધ દ્વારા ભારતના મુસ્લિમ સમુદાયે આતંકવાદ સામે કડક વલણ વ્યક્ત કર્યું અને સાબિત કર્યું કે દેશવિરુદ્ધ કૃત્યોના વિરોધમાં આખું ભારત એક છે.
સાથે સાથે દિલ્હીના 100થી વધુ માર્કેટ એસોસિયેશનો દ્વારા જાહેર કરાયેલા બંધને પણ ભારે પ્રતિસાદ મળ્યો. સદર બજાર, ચાંદની ચોક, ભગીરથ પ્લેસ, ખારી બાઓલી, ચાવરી બજાર જેવી મુખ્ય વેપારી મંડળીઓએ પણ આંદોલનમાં ભાગ લીધો. વેપારીઓએ જણાવ્યું કે તેઓ દેશની સુરક્ષા અને શાંતિ માટે હંમેશા સરકાર સાથે ઊભા રહેશે.
પહેલગામ આતંકવાદી હુમલામાં 25 યાત્રાળુઓ અને 1 નેપાળી નાગરિકના મોત થયા હતા. હુમલાની જવાબદારી ટ્રારફ (TRF) સંગઠને સ્વીકારી છે, જેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. ભારતે હુમલાને પાકિસ્તાની આશ્રય અને સમર્થન મળેલા આતંકવાદીઓની કારસ્તાની ગણાવીને સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. સાથે જ તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં દેશભરના તમામ સમુદાયો દ્વારા આતંકવાદ વિરુદ્ધ એકજ સંદેશ આપવામાં આવી રહ્યો છે—ભારત હવે શાંત બેઠો નહીં રહે.