New Delhi જૂના ડેટાના આધારે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ: કેજરીવાલ-અખિલેશ પર હર્ષ સંઘવીએ કર્યો પ્રહાર
New Delhi ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવ પર ઝેર ઉગાળ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે બંને નેતાઓએ 2023ના જૂના સમાચાર અહેવાલનો ઉપયોગ કરીને રાજ્ય સામે ખોટી છબી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે 2025ના ધોરણ 10ના પરિણામો હજી જાહેર થયા નથી, તેથી તેમની ટીકાઓ ભ્રામક છે.
વિવાદની શરૂઆત અખિલેશ યાદવના એક પોસ્ટથી થઈ, જેમાં તેમણે એક જૂનો અહેવાલ શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતની 157 શાળાઓમાં કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10 પાસ નથી થયો. કેજરીવાલે પણ આ અહેવાલના આધારે ભાજપ પર દેશભરમાં શિક્ષણ નષ્ટ કરવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે “આ મોડેલ છે, જેને ભાજપ આખા દેશમાં લાદવા માંગે છે. તેઓ આખા દેશમાં લોકોને અશિક્ષિત રાખવા માંગે છે.”
હર્ષ સંઘવીએ આ બંને નેતાઓને “નકલી” અને “કપટી” ગણાવતા કહ્યું કે “તેમને બાળકોના ભવિષ્ય સાથે રમવાનો કોઈ અધિકાર નથી.” તેમણે દાવો કર્યો કે ખોટી માહિતી ફેલાવવી માત્ર રાજકીય પોઈન્ટ્સ મેળવવાનો એક ષડયંત્ર છે અને ગુજરાતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ છે.
આ સત્તાવાર નિવેદન બાદ રાજકીય ગરમાવટ વધુ વધી ગઈ છે. એક બાજુ વિપક્ષ ભાજપના વિકાસ મોડેલને નિષ્ફળ ગણાવી રહ્યો છે, તો બીજી બાજુ સત્તાધીશો એવો દાવો કરી રહ્યા છે કે વિપક્ષ ભ્રામક માહિતીના આધારે જનમતને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
આ સમગ્ર વિવાદમાં સત્ય શું છે એ તો સમય જણાવશે, પણ રાજકીય માહોલને જોતા સ્પષ્ટ છે કે આગામી સમયમાં આવા દાવપેચો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.