વડોદરાના દશરથ ગામમાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથ વચ્ચે જબરદસ્ત મારામારી થઈ હતી. આ મારીમારીની ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મારામારીની આ ઘટના મામલે બંને જૂથોએ છાણી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના દશરથ ગામમાં આવેલા હઠી ફળિયામાં રહેતા જગદીશભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 5 એપ્રિલે સાંજે લગભગ 5:30 વાગ્યે તેઓ તેમના વાડામાં ચાઇનીઝ લારી માટે સામાન તૈયાર કરી રહ્યા હતા. ત્યારે વાળામાં તેમનો 8 વર્ષનો પુત્ર અને સોલંકી વાડીના છોકરાઓ રમી રહ્યા હતા, ત્યારે વિજયભાઇ પરમારના દીકરાએ તેમના પુત્રને કાપડનો દડો મારતા તેને પિતા જગદીશભાઈને ફરિયાદ કરી હતી. આથી જગદીશભાઈએ વિજયભાઈના છોકરાને સમજાવ્યો હતો. પરંતુ, રાતે જ્યારે જગદીશભાઈ ચાઇનીઝ લારી પર હતા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે, સોલંકી વાડીમાંથી રમેશ સોલંકી, દીપક સોલંકી, દિનેશ સોલંકી અને દિલીપ પરમાર તેમના ઘરે આવ્યા છે અને ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.
‘ઘરે જતા તમામ લોકો મારામારી કરવા લાગ્યા’
આથી જગદીશભાઈ તાત્કાલિક ઘરે ગયા હતા અને ત્યાં તમામ લોકોએ ભેગા મળીને જગદીશભાઈ સાથે મારામારી કરી હતી. આ મારામારીમાં પાડોશી ચિરાગ ચૌહાણ વચ્ચે પડતા તેમને દિનેશ સોલંકીએ માથામાં કડું માર્યું હતું. જ્યારે સુનિલ સોલંકી અને ધર્મેશ સોલંકીને મૂંઢ માર મારતા સામાન્ય ઇજાઓ થઈ હતી. આથી ચિરાગ ચૌહાણને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે રમેશ સોલંકી, દીપક સોલંકી, દિનેશ સોલંકી અને દિલીપ પરમાર સામે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
‘મારા દીકરા, ભાઈ અને ભત્રીજાને લાફા માર્યા’
બીજી તરફ વિજયભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, 5 એપ્રિલે સાંજે ઇશ્વર ભવનના વાડામાં તેમનો દીકરો અન્ય છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે કાપડનો દળો જગદીશભાઈ સોલંકીના વાડામાં જતા વિજયભાઈનો દીકરો દળો લેવા ગયો હતો ત્યારે જગદીશભાઈએ તેમના દીકરાને કહ્યું હતું કે, આ દડો મારા દીકરાને આપી દે. જેથી તેમના દીકરાએ દડો જગદીશભાઈના પુત્રને આપી દીધો હતો અને ત્યાર બાદ જગદીશભાઈ વિજયભાઈના દીકરાને 3થી 4 લાફા પણ માર્યા હતા. ઉપરાંત ત્યાં હાજર તેમના મોટાભાઈને પણ માર માર્યો હતો. ત્યાર બાદ રાતે વિજયભાઈના અન્ય મોટાભાઈ પ્રવીણભાઈ જગદીશભાઈના ઘરે સમજાવવા ગયા તો ત્યાં હાજર સુનિલ સોલંકીએ તેમની સાથે પણ મારામારી કરી. આ મારામારીમાં ભત્રીજા દિલીપ પરમારને ટીકાભાઇ સોલંકી અને હસુભાઇ સોલંકીએ માથામાં માર માર્યો હતો. વચ્ચે પડેલા દીપક સોલંકીને જમણી આંખની નીચે ડંડો વાગ્યો હતો અને દીનેશ સોલંકીએ મૂંઢ માર માર્યો હતો. આ મામલે વિજયભાઈએ જગદીશ ઉર્ફે કાળિયો સોલંકી, સુનિલ ઉર્ફે ભોલો ગોહિલ, ટીકા સોલંકી અને હસુ સોલંકી સામે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.