થોડા દિવસ પહેલા સીટીએમ એક્સપ્રેસ વે પરથી એક માનસિક રીતે બીમારી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહનો કબજો લઈ પોલીસે પીએમ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટમાં મહિલાની ગળુ દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે હવે આ મામલે વધુ એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની હત્યા કરનાર શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની હત્યા અન્ય કોઈ જગ્યાએ થઈ હતી અને તેના મૃતદેહને એક્સપ્રેસ વે પર ફેંકી દેવામાં આવી હતો. તપાસમાં મહિલાના શરીર પર ઘાસ મળી આવ્યું છે અને જ્યાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો ત્યાં આસપાસ કોઇ ઘાસ હતું નહોતું. આથી પોલીસને શંકા છે કે, તેની હત્યા કોઇ ગાર્ડન કે પછી લીલોતરી હોય તેવી જગ્યા કરવામાં આવી હતી. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું પણ શરૂ કર્યુ છે.
મહિલા માનસિક રીતે બીમાર હતા
જણાવી દઈએ કે, જશોદાનગર વિસ્તારમાં આવેલી મ્યુન્સીપુરા નવી વસાહતમાં રહેતા અખાભાઇ ભાટીની મોટી બહેન તુલસી મકવાણા બે દીકરીઓની માતા હતી. તુલસી છેલ્લા પાંચ વર્ષથી બંને દીકરીઓ સાથે પિયરમાં રહેતી હતી. તુલસી છેલ્લા 4 વર્ષથી માનસિક રીતે પણ બીમારી હતી. આથી તે ઘરની બહાર ફરતી રહેતી હતી અને મરજી મુજબ ઘરે આવતી હતી, જેથી તેની કોઇ શોઘખોળ પરિવાર દ્વારા કરવામાં આવતી નહોતી. દરમિયાન શનિવારે અખાભાઇને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં તુલસીનો મૃતદેહ દેખાયો હતો.
પીએમમાં ગળુ દબાવ્યું હોવાનો ઘટસ્ફોટ
આથી આ અંગે તપાસ કરતા સીટીએમ એકપ્રેસ હાઇવે તરફ જવાના માર્ગ પાસે તુલસી મૃતક મળી આવી હતી. આ મામલે અખાભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોરર્ટમ માટે મોકલ્યો હતો અને પીએમના રિપોર્ટમાં તુલસીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતા અજાણ્યા ઇસમ સામે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.