અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં સાબરમતી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર સાબરમતી પોલીસે દરોડા પાડી 13 જુગારીઓની ધરપકડ કરી છે. જ્યારે ઘટના સ્થળ પરથી કુલ 4.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ માલમે પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા રાજધાની બંગલામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીના આધારે રાજધાની બંગલા પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા બંગલા માલિક પરેશ પટેલ સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઘટના સ્થળ પરથી જુગારનું સાહિત્ય, મોબાઇલ ફોન, રોકડ સહિત કુલ 4.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસને વિદેશી દારૂની બોટલો પણ મળી
આ મામલે સાબરમતી પોલીસે હવે ધરપકડ કરેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપી પરેશ પટેલે પોતાના બંગલામાં જ જુગારધામ ચલાવતો હતો. માહિતી મુજબ, ઘટના સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. આથી આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.