ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તેમને બીજી ઈનિંગ રમવા મળશે કે નહીં તે મામલે તમામે અટકળો ફેલાવી હતી, પરંતુ હવે જ્યારે રાહુલ દ્રવીડ અને તેના સપોર્ટ્ સ્ટાફને એક્સટેન્શનનો નિર્ણય બીસીસીઆઈએ જાહેર કર્યો તો રાહુલે પોતે જ એવું નિવેદન કર્યું કે સૌની આંખો પહોળી થઈ ગઈ.
ગુરુવારે દિલ્હીમાં રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને આ બેઠક યોજાઈ હતી. જ્યારે રાહુલ દ્રવિડ આ મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે ત્યાં હાજર પત્રકારોએ તેમને વર્લ્ડ કપ રિવ્યુ મીટિંગ અને કોન્ટ્રાક્ટને લઈને સવાલો પૂછ્યા હતા.
I haven't yet signed a contract with the BCCI but had discussions on tenure. Once I get the papers, I will sign: Head coach Rahul Dravid after World Cup and contract review meeting pic.twitter.com/L35WTH55Gj
— Press Trust of India (@PTI_News) November 30, 2023
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ODI વર્લ્ડ કપ 2023 ના અંત સાથે સમાપ્ત થયો હતો, પરંતુ આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) રાહુલ દ્રવિડ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો અને બોર્ડે તેનો કાર્યકાળ લંબાવ્યો અને સાથે તેના સપોર્ટ સ્ટાફને પણ એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો. જોકે, BCCIએ એ નથી જણાવ્યું કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ કેટલા સમય માટે લંબાવવામાં આવ્યો છે, પણ રાહુલે જે કહ્યું તે ચોંકાવનારું છે. રાહુલ દ્રવિડે કહ્યું, કે આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવી છે, મેં હજુ સુધી બીસીસીઆઈ સાથે કરાર પર સાઈન કરી નથી, પરંતુ કાર્યકાળ અંગે ચર્ચા થઈ છે. એકવાર મને ડોક્યુમેન્ટ્સ મળશે તે બાદ હું સાઈન કરીશ.
બુધવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ આવતા વર્ષના T20 વર્લ્ડ કપ સુધી છે, પરંતુ આ પછી તેનો કાર્યકાળ લંબાવવામાં આવશે કે નહીં તે T20 વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શનના આધારે નક્કી કરવામાં આવશે. રાહુલ દ્રવિડ ઉપરાંત BCCIએ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનો કાર્યકાળ પણ લંબાવ્યો છે.
ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડનો આ બીજો કાર્યકાળ હશે અને તેની શરૂઆત 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી થશે. ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ T20 આંતરરાષ્ટ્રીય, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. આ પછી, જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ/યુએસએમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ પહેલા, ટીમને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. ICC T20 વર્લ્ડ કપ 2021માં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ દ્રવિડે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. રાહુલ દ્રવિડની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી હતી. રાહુલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ-2023માં પ્રદર્શન ઘણું સારું કર્યું પણ ઘરઆંગણે રમાયેલી ટૂર્નામેન્ટ જીતી ન શક્યું ને વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા લઈ ગયું. જોકે તે બાદ પણ તેને હેડકોચ તરીકે ફરી જવાબદારી આપવામાં આવી છે.