સબીના પાર્કમાં રમાતી બીજી ટેસ્ટના ચોથા દિવસે ડેરેન બ્રાવો બેટિંગ કરવા માટે ઉતર્યો તે પછી તેને થોડી તકલીફ થતાં તે તરત જ રિટાયર્ડ હર્ટ થઇને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ત્રીજા દિવસની રમત દરમિયાન બ્રાવોને જસપ્રીત બુમરાહનો એક બોલ હેલમેટ પર વાગ્યો હતો અને તેની હેલમેટ તૂટી ગઇ હતી. તે સમયે બ્રાવોએ રમવાનું ચાલુ રાખ્યું હતું અને ત્રીજા દિવસની સમાપ્તિ સુધી તે 18 રન કરીને ક્રિઝ પર રહ્યો હતો. સોમવારે ચોથા દિવસની રમત શરૂ થઇ અને બેટિંગમાં ઉતરેલા બ્રાવોને થોડી તકલીફ થતાં ફિઝિયોને બોલાવ્યો હતો, તેની સાથે ચર્ચા કરીને તે રિટાયર્ડ હર્ટ થઇ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. હવે તેના સ્થાને નવા નિયમ અનુસાર કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે જેર્માઇન બ્લેકવુડ બેટિંગ કરવા ઉતર્યો હતો.
એશિઝમાં સ્મિથ બીજી ઇનિંગમાં બેટિંગમાં આવ્યો નહોતો, જ્યારે ભારત સામે તો બ્રાવો બેટિંગમાં ઉતરીને રિટાયર્ડ હર્ટ થયો
મહત્વની વાત એ રહી હતી કે બ્લેકવુડ ભલે ટેસ્ટમાં કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે લાબુશેન પછી બીજો ખેલાડી બન્યો હોય પણ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ એ રચાયો છે કે જેમાં વિન્ડીઝના 12 ખેલાડી બેટિગ કરી હતી. એશિઝ ટેસ્ટમાં સ્મિથ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો નહોતો અને તેના સ્થાને લાબુશેન ઉતર્યો હતો એટલે તેમણે 11 ખેલાડીએ જ બેટિંગ કરી હતી. પણ ભારત સામેની ટેસ્ટમાં બીજા દાવમાં બેટિંગ કર્યા પછી બ્રાવો રિટાયર્ડ હર્ટ થયો હોવાથી કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે ઉતરેલો બ્લેકવુડ હકીકતમાં તેમનો 12મો બેટ્સમેન બન્યો હતો. આ સાથે જ ક્રિકેટ ઇતિહાસમાં વેસ્ટઇન્ડિઝ એવી પહેલી ટીમ બની હતી કે જેના 12 ખેલાડીએ ટેસ્ટની એક જ ઇનિંગમાં દાવ લીધો હોય.