Virender Sehwag: વીરેન્દ્ર સેહવાગે રોહિત શર્માની નિવૃત્તિ પર ઉઠાવ્યો સવાલ, કહ્યું – “હવે સમય આવી ગયો છે”
વિરોધી બોલરો સામે દહેશત ફેલાવનાર પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી રોહિત શર્માની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂક્યું છે. સેહવાગના મતે, રોહિત માટે હવે નિવૃત્તિ વિશે વિચારવાનો સમય આવી ગયો છે, ખાસ કરીને IPLના ફોર્મેટને લઈને.
ક્રિકબઝ સાથેની વાતચીતમાં સેહવાગે કહ્યું કે, “છેલ્લા 10 વર્ષમાં જો તમે રોહિત શર્માના આંકડા જુઓ તો તેણે ફક્ત એક જ વખત 400 થી વધુ રન બનાવ્યા છે. એવી સ્થિતિમાં, હવે તેને વિચારવું જોઈએ કે શું તે હજુ પણ T20 ફોર્મેટ માટે યોગ્ય છે કે નહીં.”
સેહવાગે રોહિતની ઈચ્છાશક્તિ પર પણ પ્રશ્ન ઊભો કર્યો અને જણાવ્યું કે, “જો રોહિતે ખરેખર વિચાર્યું હોત કે IPLમાં તેણે 500 કે 700 રન બનાવવા છે, તો તે ચોક્કસપણે કરી શકતો. પણ તે દિશામાં તે દૃઢ પ્રતિબદ્ધ દેખાતો નથી.”
રોહિત શર્માનું વર્તમાન IPL સિઝનનું પ્રદર્શન પણ તેની નિરાશાજનક સ્થિતિ દર્શાવે છે. તેણે અત્યાર સુધીમાં અનુક્રમે 0, 8, 13, 17, 18 અને 26 રન બનાવ્યા છે. આ પદ્ધતિથી તે ન તો પોતાની ટીમ માટે મક્કમ શરુઆત આપી રહ્યો છે ન તો પોતાની પ્રતિષ્ઠાને યોગ્ય રીતે સાચવી શક્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ IPL ટાઇટલ જીતાડનારા રોહિત શર્મા માટે આ સમય થોડો પડકારભર્યો સાબિત થઈ રહ્યો છે. જોકે, તેમનું IPLમાં નોંધપાત્ર યોગદાન રહેલું છે, પણ સતત નબળા દેખાવને લીધે હવે તેમના નિવૃત્તિ વિશે ચર્ચાઓ તેજ બની રહી છે.
સેહવાગની આ ટિપ્પણી cricket વિશ્વમાં એક મોટી ચર્ચાનો વિષય બની ગઈ છે. શું રોહિત શર્મા સેહવાગની સલાહને ગંભીરતાથી લેશે? કે હજુ પણ પોતાના ફોર્મમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે? આવનારા મેચો રોહિત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે.