વિરાટ કોહલીએ રવિવારે અહીં રમાયેલી બીજી વન-ડેમાં પોતાની કેરિયરની 42મી વન-ડે સદી ફટકારી હતી. આ શતકીય ઇનિંગ દરમિયાન કોહલીએ કુલ 6 રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. તેણે વેસ્ટઇન્ડિઝ સામે સર્વાધિક રન કરવાનો જાવેદ મિયાંદાદનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખવાની સાથે જ વન-ડેમાં સર્વાધિક રન કરવા મામલે સૌરવ ગાંગુલીને ઓવરટેક કરીને ભારતીયોની યાદીમાં સચિન તેંદુલકર પછી બીજા ક્રમે પહોંચી ગયો હતો., જ્યારે વિશ્વમાં તે સર્વાધિક રન કરનારા ખેલાડીઓની યાદીમાં 8માં ક્રમે પહોંચ્યો છે. કોહલીએ 238 મેચોમાં 11406 રન બનાવી લીધા છે, જ્યારે ગાંગુલીના નામે 311 મેચમાં 11363 રન છે. આ યાદીમાં સચિન 18426 રન સાથે પહેલા ક્રમે છે.
કોઇ એક ટીમ સામે સર્વાધિક સદી ફટકારવા મામલે કોહલી સચિન પછી બીજા ક્રમે : કેપ્ટન તરીકે કોઇ એક ટીમ સામે સર્વાધિક સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીએ નોંધાવ્યો
આ ઉપરાંત કોહલીએ કોઇ એક જ દેશ સામે સર્વાધિક રન કરવા મામલે પોતાના જ ડેપ્યુટી રોહિત શર્માનો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો હતો. કોહલીએ વેસ્ટઇન્ડિઝ સામે 35 મેચની 34 ઇનિંગમાં 2032 રન પુરા કરીને કોઇ એક ટીમ સામે સૌથી ઝડપી 2000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેણે ઓસ્ટ્રેલિયા સામે 37 ઇનિંગમાં 2000 રન પુરા કર્યા હતા.
આ ઉપરાંત કોહલીએ વેસ્ટઇન્ડિઝ સામે આ સાથે 8મી સદી ફટકારી હતી અને કોઇ એક ટીમ સામે સર્વાધિક સદી ફટકારવા મામલે તે સચિન તેંદુલકર પછી બીજા ક્રમે રહ્યો હતો. સચિને ઓસ્ટ્રેલિયા સામે સર્વાધિક 9 સદી ફટકારી છે. જો કે વિરાટ આ પહેલા ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે પણ 8-8 સદી ફટકારી ચુક્યો છે. જ્યારે સચિને પણ ઓસ્ટ્રેલિયા સામે 9 ઉપરાંત શ્રીલંકા સામે 8 સદી ફટકારી છે. કેપ્ટન તરીકે કોઇ એક ટીમ સામે સર્વાધિક સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે નોંધાયો હતો. તેણે વેસ્ટઇન્ડિઝ સામે કેપ્ટન તરીકે 6 સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટીંગના ન્યુઝીલેન્ડ સામે 5 સદી ફટકારવાના રેકોર્ડનો તોડ્યો હતો. કોહલીએ પોતાની કેપ્ટનશિપમાં સર્વાઘિક સદી ફટકારી છે. તેણે કેપ્ટન તરીકે આ 20મી સદી ફટકારી છે. આ પહેલા તે ધોનીની કેપ્ટનશિપ હેઠળ 19 સદી ફટકારી ચુક્યો હતો. જ્યારે વિરેન્દ્ર સેહવાગની કેપ્ટનશિપ હેઠળ 2 અને ગૌતમ ગંભીરની કેપ્ટનશિપ હેઠળ 1 સદી ફટકારી છે.
વન-ડેમાં સર્વાધિક રન કરનારા ટોપ ટેન ખેલાડીઓ
ખેલાડી દેશ મેચ ઇનિંગ રન સર્વોચ્ચ સદી અર્ધસદી
સચિન તેંદુલકર ભારત 463 452 18426 200* 49 96
કુમાર સંગાકારા શ્રીલંકા 404 380 14234 169 25 93
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા 375 365 13704 164 30 82
સનથ જયસુર્યા શ્રીલંકા 445 433 13430 189 28 68
માહેલા જયવર્ધને શ્રીલંકા 448 418 12650 144 19 77
ઇન્ઝમામ ઉલ હક પાકિસ્તાન 378 350 11739 137* 10 83
જેક કાલિસ દક્ષિણ આફ્રિકા 328 314 11579 139 17 86
વિરાટ કોહલી ભારત 238 229 11406 183 42 54
સૌરવ ગાંગુલી ભારત 311 300 11363 183 22 72
રાહુલ દ્રવિડ ભારત 344 318 10889 153 12 83
વન-ડેમાં સર્વાધિક રન કરનારા ટોપ ફાઇવ ભારતીય ખેલાડીઓ
ખેલાડી મેચ ઇનિંગ રન સર્વોચ્ચ સદી અર્ધસદી
સચિન તેંદુલકર 463 452 18426 200* 49 96
વિરાટ કોહલી 238 229 11406 183 42 54
સૌરવ ગાંગુલી 311 300 11363 183 22 72
રાહુલ દ્રવિડ 344 318 10889 153 12 83
એમ એસ ધોની 347 294 10599 183* 9 73