મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી આજના યુવાનોમાં ઘણો લોકપ્રિય છે. તેવામાં ઘણા યુવાનો કોહલીને ફોલો કરતા રહે છે. તેવામાં ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટને દેશના યુવાઓને સલાહ આપી છે. તેણે સલાહ આપતા કહ્યું છે કે ”આજના સમયમાં સોશિયલ મીડિયા એ લોકોના જીવનમાં મહત્વનું પાસુ બની ગયુ છે, પણ આ સોશિયલ મીડિયા પર વધુ સમય બરબાદ ન કરે”.
વિડીયો ગેમમાં સમય બરબાદ ન કરો: કોહલી
પોતાની લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ વન8ના લોન્ચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે ”આજે આપણે જોઇએ છીએ કે બાળકો બહાર રમવા જવાની જગ્યાએ વીડિયો ગેમ પાછળ વધુ સમય ગાળે છે. મારી સલાહ છે કે શારિરીક ગતિવિધિ પણ મહત્વપૂર્ણ છે અને તે ન માત્ર યુવાઓ પરંતુ દેશના પ્રત્યેક વ્યક્તિ માટે છે”.
એક સમયે હું પણ સોશીય મીડિયા પર સમય બરબાદ કરતો હતો: કોહલી
વિરાટ કોહલીએ યુવાઓને સોશિયલ મીડિયાથી દુર રહેવા માટે જણાવ્યું છે. વિરાટે કહ્યું કે ”સોશિયલ મીડિયા પર લોકોએ સીમિત સમય માટે જ રહેવું જોઇએ. હું પણ સોશિયલ મીડિયા પર ઘણો સમય વ્યતિત કરતો હતો. પરંતુ મને તેનો અહેસાસ થયો કે તે માત્ર સમયની બરબાદી છે”.
મહત્વનું છે કે વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટમાં યુવા લોકોની પહેલી પસંદ અને રોલ મોડલ માનવામાં આવે છે. વિરાટના પ્રસંશકોમાં મોટાભાગના યુવાનો છે. જો કે વિરાટને તેમના પ્રસંશકોની એ વાત પસંદ નથીં આવતી. વિરાટે આ અંગે પહેલા પણ કહી ચુક્યો છે કે ”આજના બાળકો મોટાભાગનો સમય ફોન અને આઇપેડ્સ પર વિતાવી રહ્યા છે. અમે જ્યારે બાળક હતા તો મોટાભાગનો સમય મેદાન અને પાર્કમાં વિતાવતા હતા”.