ભારતીય ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની વરણી થયા પછી હવે ગુરૂવારે ટીમના સપોર્ટ સ્ટાફની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને તે અનુસાર બોલિંગ કોચ તરીકે ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ તરીકે આર. શ્રીધર પણ પોતાનું પદ જાળવી રાખવામાં સફળ થયા હતા, માત્ર એક ફેરફાર થયો છે અને તેમાં સંજય બાંગરના સ્થાને બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોડની એન્ટ્રી થઇ છે.
બીસીસીઆઇએ કોચની પસંદગીમાં જે પ્રક્રિયા અપનાવાઇ હતી તે જ પ્રક્રિયા અહીં પણ લાગુ કરીને ટોપ-3 પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બેટિંગ કોચ પદ માટે વિક્રમ રાઠોડ પહેલા ક્રમે રહ્યો હતો. બીજા નંબરે સંજય બાંગર અને ત્રીજા ક્રમે માર્ક રામપ્રકાશ રહ્યો હતો. બોલિંગ કોચ તરીકે ભરત અરુણ પહેલા તો બીજા ક્રમે પારસ મહામ્બ્રે અને ત્રીજા ક્રમે વ્યંકટેશ પ્રસાદ રહ્યો હતો. જ્યારે ફિલ્ડીંગ કોચ તરીકે આર. શ્રીધર પહેલા, અભય શર્માં બીજા તો ટી. દિલીપ ત્રીજા ક્રમે રહ્યો હતો.
નીતિન પટેલ બન્યો ફિઝિયો : મેનેજર સુબ્રમણ્યમની છુટ્ટી
મુંબઇ ઇન્ડિયન્સના ફિઝિયો નીતિન પટેલને ફરી એકવાર નેશનલ ટીમના ફિઝિયો બનાવાયો છે. આ પહેલા તે 2011માં આ પદે કાર્યરત હતા. ઇન્ગલેન્ડના લ્યુક વુડહાઉસને કન્ડિશનિંગ કોચ બનાવાયા છે. હાલના વહીવટી મેનેજર સુનિલ સુબ્રમણ્યમની છુટ્ટી કરી દેવામાં આવી છે. તેમના સ્થાને હવે ગિરીશ ડોંગરીને આ પદ સોંપવામાં આવ્યું છે.