મુંબઇ : કોઈ ખેલાડી પ્રારંભની સાત મેચ રમ્યો ન હોય તો બાકીની ટુર્નામેન્ટ માટે તે ફ્રેન્ચાઇઝી બદલી શકે તે માટે બોર્ડ, આઇપીએલની વિચારણા થઇ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નવા સંશોધન અને પરિવર્તન માટે જાણીતી ટી20 ક્રિકેટ લીગ છે અને તેમાં આગામી આઇપીએલ (2018)થી એક નવતર પ્રયોગની શક્યતા છે.
કોઈ ખેલાડીને સિઝનની પ્રારંભિક સાતમાંથી એકેય મેચ રમવા મળે નહીં તો તે અધવચ્ચેથી અન્ય ફ્રેન્ચાઇઝીમાં જઈ શકે તેવી જોગવાઈ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મુંબઈના દૈનિક અખબારના અહેવાલ પ્રમાણે તાજેતરમાં બીસીસીઆઈના હોદ્દેદારો, આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલના સદસ્યો, સંચાલન સમિતિ (COA) અને તમામ આઠ ફ્રેન્ચાઇઝીના માલિકોના પ્રતિનિધીઓની મળેલી બેઠકમાં આ મુદ્દે પ્રસ્તાવ રજૂ કરાયો હતો અને એમ મનાય છે કે તમામે સર્વાનુમતે આ પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી.
જોકે આ મામલે અંતિમ નિર્ણય આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાશે. પ્રસ્તાવ એવો હતો કે કોઈ ખેલાડીને પ્રારંભની સાત મેચમાં તક મળી ન હોય તો તે વર્તમાન સિઝનમાં જ અધવચ્ચેથી અન્ય ટીમ માટે રમવા માટે ક્વોલિફાઈ થઈ શકશે પરંતુ તેમાં શરત એ રહેશે કે અન્ય ફ્રેન્ચાઇઝી તેને સ્થાન આપવા માટે તૈયાર હોય.
અધવચ્ચે હરાજી થશે ?
એ જાણી શકાયું નથી કે આ રીતે ખેલાડી બદલવા માટે સિઝન દરમિયાન હરાજી થશે કે તેને અન્ય ટીમ જે તે ખેલાડીને બાકીની મેચ પૂરતો લોન પર લેશે.
યુરોપિયન ફૂટબોલ લીગમાં આ રીતે અધવચ્ચેથી અન્ય ટીમના ખેલાડીને લોન પર લઈ શકાતો હોય છે. આઇપીએલમાં ઘણી વાર એમ બનતું હોય છે કે સિઝનના પ્રારંભે કોઈ ખેલાડીને હરાજીમાં ખરીદી લેવાયો હોય પરંતુ ટીમના બેલેન્સ કે રણનીતિમાં તે બંધબેસતો ન હોય તો તેને અંતિમ ઇલેવનમાં સ્થાન આપી શકાતું હોતું નથી.
આ સંજોગોમાં આ પ્રસ્તાવથી ખેલાડી અને ટીમ બંનેને લાભ થતો હોય છે. બેઠક દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીએ આ આઇડિયાને મંજૂરી આપી હતી પરંતુ તેનો કેવી રીતે અમલ કરવો તે અંગે કાઉન્સિલની બેઠકમાં તેનો સ્વિકાર થયા બાદ નિર્ણય લેવાશે.