નવી દિલ્હી: વિશ્વનો સૌથી ઝડપી સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટ હવે કોચની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે. પણ હવે તે કોચિંગ કોઈ રેસરને નહીં પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને આપી રહ્યો છે. ઈગ્લેન્ડ સામેની એશિઝની બરાબર પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓને બોલ્ટ પાસેથી ટ્રેનિંગ અપાવી છે. જમૈકાના આ રેસરને મેદાન પર કાંગારુ ખેલાડીઓને રનિંગ બિટવીન ધ વિકેટ વધારે સારી કરવા માટે ટ્રેનિંગ આપતો જોવામાં આવ્યો.
‘ફાસ્ટેસ્ટ મેન ઑન ધ અર્થ’
100 મીટર અને 200 મીટર દોડનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા બોલ્ટની આ ટ્રનિંગથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને એશિઝ સીરીઝમાં ઘણી મદદ મળશે. ટ્રેનિંગ લેનારા ખેલાડીઓની એક તસવીર સામે આવી છે. જેમાં પીટર હેન્ડ્સકૉમ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચ સહિતના સ્ટાર ખેલાડીઓ દેખાઈ રહ્યાં છે. બધા ખેલાડીઓએ હાથમાં બેટ પકડ્યું છે જ્યારે બોલ્ટ વ્હિસલ મારતો વગાડતો દેખાઈ રહ્યો છે.

23મીથી શરૂ થશે એશિઝમાં પ્રતિષ્ઠાનો જંગ
આ વિશે ઓસ્ટ્રેલિયન ખેલાડી પીટર હેન્ડ્સકૉમે કહ્યું કે, ‘બ્રિસ્બેન ટેસ્ટ પહેલા મળેલી બોલ્ટની ટિપ્સ ખૂબ કામમાં આવશે. તેણે અમને કેટલાક પોઈન્ટ્સ જણાવ્યા છે, જેનાથી અમે અમારી દોડને વધુ સારી બનાવી શકીએ છીએ. તેણે અમને જણાવ્યું કે, શરૂઆતના સ્ટેપ્સ યોગ્ય હોય તો આપણે વધારે સારી રીતે દોડી શકીએ છીએ. તેણે રેસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ તે જણાવ્યું.’ જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 નવેમ્બરથી બ્રિસ્બેન ખાતે એશિઝ સીરીઝની પહેલી ટેસ્ટ રમાશે.
8 ઓલિમ્પિક ગોલ્ડ ધરાવે છે બોલ્ટ
બીજી તરફ 8 ઓલિમ્પિક ગોલ્ડ જીતી ચૂકેલા બોલ્ટે કહ્યું કે, ‘રિટાયર્મેન્ટ બાદ ફૂટબોલમાં વ્યસ્ત થઈ ગયો હતો. બુન્ડેસ્લિગા ટીમ સાથે ટ્રેનિંગ લીધી. અત્યારે પોતાને ફિટ રાખવાના પ્રયત્નો કરી રહ્યો છું.’ બોલ્ટે આ જ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધા બાદ નિવૃત્તિ જાહેર કરી હતી. તે પોતાની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થઈ જતા મેડલથી વંચિત રહ્યો હતો. પોતાની ઈજા વિશે તેણે કહ્યું કે, ડૉક્ટરે હવે તેને ફિટ જાહેર કર્યો છે અને તે હવે ટ્રેનિંગ શરૂ કરી શકે છે.