ક્રિકેટની દુનિયામાં ક્રિકેટના ભગવાન સાથેની જોડીની વાત કરીએ તો સૌથી પહેલા સચિન તેંદુલકર અને વિનોદ કાંબલીની જોડી યાદ આવે. પરંતુ આ જોડીની જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેમ છેલ્લા 8 વર્ષ પહેલા વિનોદ કાંબલીએ તોડી નાખી હતી. પરંતુ આજે આ બન્ને બાળપણના મિત્રો ફરી જુના મતભેદો ભુલીને ભેગા થયા હતા. બાળપણના મિત્રો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી હવે ફરીથી ભેગા થઈ ગયા છે. આનો ખુલાસો ખુદ પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ કર્યો. એક ઈન્ટરવ્યું દરમિયાન ખાસ વાતચીતમાં તેમણે આ વાત જણાવી હતી. તેણે કહ્યું કે, હા અમારી વચ્ચે બધું બરાબર થઈ ગયું છે. આ માટે હું ખુશ છું. અમે એકબીજાને ભેટ્યા અને વાત કરી. 45 વર્ષીય કાંબલીએ કહ્યું કે, જે પણ થયું તે અમારી વચ્ચે હતું. હવે હું અમારી દોસ્તી માટે ખુશ છું. જણાવી દઈએ કે, ક્રિકેટ સાથે જોડાયેલી એક ઈવેન્ટમાં સચિન તેંડુલકરે અને વિનોદ કાંબલીએ એકબીજાને હગ કર્યું અને પરસ્પર વાતચીત પણ કરી.
ઉલ્લેખનીય છે કે, આ બંનેની મિત્રતા વચ્ચે ત્યારે તિરાડ પડી હતી જ્યારે કાંબલીએ જુલાઈ 2009માં એક ટીવી શોમાં સચિન પર આરોપ લગાવ્યા હતા કે, સચિને તેને ટીમમાં કમબેક કરવામાં કોઈ મદદ ન કરી. તેંડુલકરને આ વાત ખટકી અને તેણે 2013માં રિટાયર્મેન્ટ સ્પીચ દરમિયાન તમામ મહત્વના લોકોના નામ લીધા પણ કાંબલીનો ઉલ્લેખ કર્યો ન હતો.
સચિન અને કાંબલી એક સાથે ભણ્યાં હતા અને બંનેના કોચ પણ રમાકાંત આચરેકર જ હતા. બંને મુંબઈ અને ટીમ ઈન્ડિયા માટે રમ્યા હતા. સ્કૂલ ક્રિકેટમાં તેમણે બનાવેલા 664 રનની પાર્ટનરશિપનો રેકોર્ડ ઘણા વર્ષો સુધી રહ્યો હતો જે ધણા વર્ષો પછી ટૂટ્યો હતો.