પહેલી ટેસ્ટમાં એકતરફી જીત મેળવ્યા પછી ભારતીય ટીમ શુક્રવારે જ્યારે જમૈકાના સબીના પાર્ક મેદાન પર યજમાન વેસ્ટઇન્ડિઝ સામે બીજી ટેસ્ટ રમવા માટે મેદાને ઉતરશે ત્યારે તેમની નજર વેસ્ટઇન્ડિઝના સંપૂર્ણ સફાયા પર સ્થિર હશે. સામે પક્ષે વેસ્ટઇન્ડિઝની ઇચ્છા તેના ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિરીઝ 1-1ની બરોબરી પર ખતમ કરે તેવી હશે. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને રમતના દરેક પાસામાં પરાસ્ત કરી હતી.
પહેલા દિવસની શરૂઆતને જો બાદ કરવામાં આવે તો વેસ્ટઇન્ડિઝની ટીમ મેચમાં ભારત પર જરાપણ પ્રભુત્વ જમાવી શકી નહોતી. 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવવા છતાં ભારતીય ટીમે પોતાના પહેલા દાવમાં અજિંકેય રહાણે અને રવિન્દ્ર જાડેજાની ઉપયોગી ઇનિંગથી બાજી સંભાળી લીધી હતી. ભારતીય ટીમમાં જો કોઇ ફેરફાર થશે તો તે કદાચ વિકેટકીપરનો થઇ શકે છે. પંતના સ્થાને કદાચ સાહાનો સમાવેશ થવાની સંભાવના છે.