દક્ષિણ આફ્રિકા સામેની 3 ટી-20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ગુરૂવારે કરવામાં આવી હતી, આ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાને અનુપલબ્ધ ગણાવ્યો હોવાથી તેનો સમાવેશ કરાયો નહોતો. જ્યારે હાર્દિક પંડ્યાની આ ટીમમાં વાપસી થઇ છે. મોટાભાગે વેસ્ટઇન્ડિઝમાં વિજેતા થયેલી ટીમને જ જાળવી રાખવામાં આવી છે. માત્ર ભુવનેશ્વર કુમારને આરામ અપાયો છે. જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો નથી.
વિરાટ કોહલીની આગેવાનીમાં જાહેર થયેલી ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે રોહિત શર્મા યથાવત રહ્યો છે. જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંતને જાળવી રખાયો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝની શરૂઆત 15 સપ્ટેમ્બરે ધર્મશાળાથી થશે. તે પછી 18મી સપ્ટેમ્બરે મોહાલીમાં બીજી ટી-20 અને ત્રીજી ટી-20 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે.
ટી-20 સિરીઝ માટેની ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની.