કોરોનાને પગલે આ વર્ષે ભારતમાં યોજાનારો ટી-૨૦ વર્લ્ડકપ યુએઇ શિફ્ટ કરાશે. બીસીસીઆઇ સચિવ જય શાહે આ વાતની જાણકારી આપી છે. જય શાહે જણાવ્યું કે, બીસીસીઆઇ સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને જણાવશે કે, ટી-૨૦ વર્લ્ડકપને યુએઇ શિફ્ટ કરાઇ રહ્યો છે. ટૂર્નામેન્ટની તારીખનો ર્નિણય આઇસીસી કરશે. બીસીસીઆઇએ આઇસીસી પાસેથી ૨૮ જૂન સુધીનો સમય માંગ્યો હતો.
અહેવાલો અનુસાર, ટી-૨૦ વર્લ્ડ વર્લ્ડકપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી થઇ શકે છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ ૧૪ નવેમ્બરે રમાશે. ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં યુએઇમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બાકીની ૩૧ મેચો ખેલાશે. આઇપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની મેચોની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે અને ફાઇનલ મેચ ૧૫ ઓક્ટોબરે રમાશે.
અગાઉ આઇસીસીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ટી-૨૦ વર્લ્ડકપ યુએઇ શિફ્ટ હોવા છતાં હોસ્ટિંગ રાઇટ બીસીસીઆઇ પાસે જ રહેશે. કોરોનાને પગલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપને સ્થગિત કરવું પડ્યું હતું, જે હવે આગામી વર્ષે એટલે ૨૦૨૨માં રમાશે.
ઉલ્લેખનીય છે કે, અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) માટે આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડકપની સતત મેજબાની કરવી સરળ નહીં હોય. આઇપીએલની ગઇ સિઝન પણ યુએઇમાં રમાઇ હતી. કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતાં બીસીસીઆઇએ ૪ મેના રોજ આઇપીએલ ૨૦૨૧ સ્થગિત કરવાનો ર્નિણય લીધો હતો.