નવી દિલ્હી : શ્રીલંકાએ આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી -20 મેચમાં ભારતને ચાર વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી દીધી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ બુધવારે રમવાની હતી, પરંતુ મેચના દિવસે ઓલરાઉન્ડર ક્રુનાલ પંડ્યા કોરોના પોઝિટિવ મળવાના કારણે મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. આ મેચમાં ભારતે દેવદત્ત પડીકલ, ઋતુરાજ ગાયકવાડ, નીતીશ રાણા અને ચેતન સાકરીયાને તક આપી હતી, જેમણે આ મેચમાંથી આંતરરાષ્ટ્રીય ટી 20 માં પ્રવેશ કર્યો હતો.
આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 132 રન બનાવ્યા હતા. ભારત તરફથી સુકાની શિખર ધવને 42 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાએ 19.4 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકાની આ જીતનો હીરો ધનંજય ડી સિલ્વા હતો. સિલ્વાએ 34 બોલમાં 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
શ્રીલંકા માટે ધનંજય ડી સિલ્વાએ 34 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 40 અને ચમેકા કરુણારત્નેએ છ બોલની મદદથી અણનમ 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચીનમન બોલર કુલદીપ યાદવે બે જ્યારે રાહુલ ચહર, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર અને ચેતન સાકરીયાએ એક-એક વિકેટ ઝડપી હતી.
લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને તેઓ જલ્દી જ અવિષ્કા ફર્નાન્ડો (11) ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટૂંક સમયમાં, સદિરા સમરવિક્રમા (8) પણ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન દાસુન શનાકા (3) ને કુલદીપે તેનો શિકાર બનાવ્યો હતો.
મીનોદ ભાનુકાએ થોડા સમય રહીને ઇનિંગ્સને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વધુ સમય સુધી સંઘર્ષ કરી શક્યો નહીં અને ચોગ્ગાની મદદથી 31 બોલમાં 36 રન બનાવીને ચોથા બેટ્સમેન તરીકે આઉટ થયો. થોડા સમય પછી વનિંદુ હસરંગા (15) પણ પેવેલિયન પરત ફર્યો. આ પછી ચેતન સાકરીયાએ રમેશ મેન્ડિસ (2) ને આઉટ કર્યો, જે તેની આંતરરાષ્ટ્રીય ટી 20 કારકિર્દીની પ્રથમ વિકેટ સાબિત થઈ.