નવી દિલ્હી : તાજેતરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મર્યાદિત ઓવર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રેણી અંતર્ગત બંને દેશો વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી 20 મેચ રમાઈ હતી. ભારત સામે રમાયેલી આ શ્રેણીથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ઘણો ફાયદો થયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મર્યાદિત ઓવર સિરીઝ દ્વારા 107 કરોડની કમાણી કરી.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડીને તેની કમાણીની વિગતો આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સામે રમાયેલી શ્રેણી અમારા માટે ઘણી સારી હતી. અમને આ શ્રેણીમાંથી 1.45 મિલિયન ડોલર એટલે કે 107 કરોડ રૂપિયા મળ્યા છે.
એફટીપી અનુસાર, શ્રીલંકા પ્રવાસ પર ભારત માત્ર ત્રણ વનડે રમવાનું હતું. પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ઈશારે ભારત ત્રણ ટી 20 મેચ પણ રમવા માટે સંમત થયું. આ કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડનો નફો વધ્યો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું, “આ પ્રવાસ માત્ર ત્રણ વનડે માટે હતો, પરંતુ અમારા પ્રમુખ શમ્મી સિલ્વા બીસીસીઆઈને વધારાની ત્રણ ટી 20 મેચ માટે મનાવવામાં સફળ રહ્યા, જેના પરિણામે અમને ફાયદો થયો.”
આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી
ડી સિલ્વાએ કોવિડ -19 કેસ હોવા છતાં પ્રવાસ પૂર્ણ કરવા માટે BCCI અને ભારતીય ટીમનો આભાર માન્યો હતો. કોરોના વાયરસના કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને ખેલાડીઓ કરાર વગર રમી રહ્યા હતા. જોકે શ્રીલંકા ક્રિકેટ હવે પરત ફરવાના માર્ગે છે. શ્રીલંકા 2 થી 14 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકાની ત્રણ વન ડે અને ત્રણ ટી 20 માટે યજમાની કરશે.
જોકે, BCCI એ શ્રીલંકા પ્રવાસ માટે તેના મર્યાદિત ઓવરના ખેલાડીઓને મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રવાસ દ્વારા, તે ખેલાડીઓને પણ ડેબ્યુ કરવાની તક મળી, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી IPL માં સારું પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે, ટી 20 સિરીઝ દરમિયાન કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ મળવાના કારણે ટીમ ઈન્ડિયાને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં, તમામ ખેલાડીઓ તેમની ક્વોરેન્ટીન અવધિ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે.