મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ નથી લીધી પણ તે છતાં દક્ષિણ આફ્રિકા સામે 15 સપ્ટેમ્બરથી ઘરઆંગણેની ધર્મશાળા ખાતેથી શરૂ થઇ રહેલી ટી-20 સિરીઝ માટેની ટીમમાં તેની પસંદગી થવાની સંભાવના નથી. સિરીઝ માટે ટીમની પસંદગી 4 સપ્ટેમ્બરે થવાની આશા છે. પહેલી મેચ ધર્મશાળામાં રમાયા પછી અન્ય બે મેચ 18 સપ્ટેમ્બરે મોહાલી અને 22 સપ્ટેમ્બરે બેંગલુરૂમાં રમાશે.
એવી સંભાવના છે કે વેસ્ટઇન્ડિઝને 3-0થી હરાવનારી ટીમને જ જાળવી રાખવામાં આવશે. ટી પસંદગી માટે પસંદગી સમિતિ ઓક્ટોબર 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખવા માગે છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ ટી-20ની પહેલી મેચ પહેલા ભારતીય ટીમ માત્ર 22 ઇન્ટરનેશનલ ટી-20 રમશે અને પસંદગીકારો એ બાબતે સ્પષ્ટ છે કે આ આગળ વધવાનો સમય છે. હજુ એ સ્પષ્ટ નથી કે બીસીસીઆઇ અધિકારી કે પસંદગી સમિતિ આ યોજનાઓ બાબતે માહિતી મેળવવા માટે ધોની સાથે વાત કરશે કે નહીં. આ પહેલા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમ પસંદ કરતી વખતે પસંદગી અધ્યક્ષે ધોની સાથે વાત કરી હતી.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે પસંદગી સમિતિ મર્યાદિત ઓવરો માટે તેમાં પણ ખાસ કરીને ટી-20 માટે 3 વિકેટકીપરનો પુલ તૈયાર કરવાની યોજના ઘરાવે છે. હવે એ ત્રણમાં એક ઋષભ પંત હશે એ નક્કી છે, જ્યારે બાકીના બેમાં એક ઇશાન કિશન અને બીજો સંજુ સેમસન હશે. ઇશાન કિશન અને સંજૂ સેમસન પણ પંતની જેમ જ વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. જો કે પસંદગીકારો માટે તમામ ફોર્મેટમાં પંત પહેલો વિકલ્પ રહેશે.