શિખર ધવનની 43 બોલમાં 52 રનની ઇનિંગ છતાં અહીં વરસાદ પ્રભાવિત ચોથી બિન સત્તાવાર વન ડે મેચમાં ભારત એ ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા-એ સામે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 4 રનના નજીવા માર્જીનથી પરાજય થયો હતો. વરસાદને કારણે રિઝર્વ ડે પર ગયેલી મેચમાં પરાજયથી આ સિરીઝમાં ભારતીય ટીમની આ પહેલી હાર રહી હતી.
દક્ષિણ આફ્રિકા વતી માર્કો જેનસન, એનરિક નોર્જ અને લૂથો સિપામલાએ 3-3 વિકેટ ઉપાડીને દક્ષિણ આફ્રિકા-એને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુરૂવારે ભારતીય ટીમને જીતવા માટે 17.2 ઓવરમાં 137 રન જોઇતા હતા પણ તેઓ 5 રન છેટા રહી ગયા હતા અને ડકવર્થ લુઇસ હેઠળ તેમને મળેલા 25 ઓવરમાં 193 રનના લક્ષ્યાંક સામે 9 વિકેટે 188 રન જ બનાવી શક્યા હતા.