શ્રીલંકાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ પાકિસ્તાન પ્રવાસે જવા તૈયાર નથી. પાકિસ્તાની મીડિયા દ્વારા પ્રકાશિત કરાયેલા એક અહેવાલમાં આ વિગત જાહેર થઇ છે. શ્રીલંકાની ટીમે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં 3 વનડે અને 3 ટી-20 મેચ રમવાની છે અને તે પછી બે ટેસ્ટ યુએઇમાં રમાવાની છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની એવી ઇચ્છા હતી કે બંને ટેસ્ટ પાકિસ્તાનમાં જ રમાડવામાં આવે પણ તેના માટે શ્રીલંકન બોર્ડ તૈયાર ન થયું. પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝના અહેવાલ અનુસાર હાલમાં જ બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે લાંબી વાતચીત પછી શ્રીલંકન ટીમનો પાકિસ્તાન પ્રવાસ નિર્ધારિત થયો, જો કે હવે આ પ્રવાસ આડે કેટલાક ખેલાડીઓનું વલણ અવરોધક બન્યું છે.
અખબારના અહેવાલમાં કહેવાયું છે કે વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલા અને ઓલરાઉન્ડર થિસારા પરેરા આ પ્રવાસે જવા રાજી નથી. કેટલાક અન્ય ખેલાડીઓ પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવા ઇચ્છુક નથી. ડિકવેલા અને પરેરાએ આ દરમિયાન કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં રમવાની ઇચ્છા દર્શાવી છે અને તેના માટે તેમણે બોર્ડને અરજી પણ કરી દીધી છે.
2009માં શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાથી પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ બંધ
પાકિસ્તાનમાં છેલ્લો ઇન્ટરનેશનલ પ્રવાસ શ્રીલંકાની ટીમે કર્યો હતો. 2009માં યોજાયેલા એ પ્રવાસમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની નજીક જ શ્રીલંકન ટીમ પર ત્રાસવાદી હુમલો થયો હતો તે પછી પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાવાનું બંધ થયું હતું. 2015માં ઝિમ્બાબ્વે અને વેસ્ટઇન્ડિઝની ટીમ અહીં મર્યાદિત ઓવરોની મેચ રમવા આવી પણ કોઇ મોટી ટીમ પાકિસ્તાન પ્રવાસ કરવા માટે રાજી થઇ નથી.