ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન સ્ટીવ સ્મિથને શનિવારે જોફ્રા આર્ચરનો બોલ ગરદનના ભાગે વાગ્યા પછી રવિવારે મેચના પાંચમા દિવસે જ્યારે તે સ્વારે ઉઠ્યો ત્યારે તેણે ચક્કર આવવા અને માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી, તેના કારણે તેને મેચમાં આગળ ન રમાડવાનો નિર્ણય કરાયો હતો, અને હવે તેના સ્થાને માનર્સ લેબશોનને ઉતારાયો છે. નવા નિયમ હેઠળ ઇજાગ્રસ્ત ખેલાડીને સ્થાને ટીમમાં સમાવાયેલ ખેલાડી બેટિંગ બોલિંગ કરી શકે છે અને તે નિયમ હેઠળ ટીમમાં સામેલ થનારો માનર્સ લેબશોન પહેલો ક્રિકેટર બની ગયો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથના રિપ્લેસમેન્ટ માટે કરેલી વિનંતીને આઇસીસીએ સ્વીકારી લીધી હતી. આઇસીસીના નવા કંક્શન નિયમ અનુસાર ઇજાગ્રસ્ત ખેલાડીનું સ્થાન લેનાર અન્ય ખેલાડી બેટિંગ અને બોલિંગ કરી શકે છે. આ પહેલા મેચના ચોથા દિવસે જોફ્રા આર્ચરનો બોલ વાગતા ઘવાયેલો સ્મિથ રિટાયર્ડ હર્ટ થયો હતો, જો કે કંકશન ટેસ્ટ પાસ કરીને તે મેદાન પર પાછો ફર્યો અને તેણે 92 રનની ઇનિંગ રમી હતી. રવિવારે જો કે તેને થોડી સમસ્યા ઊભી થતાં તેને મેદાને ન ઉતારવાનો નિર્ણય લેવાયો હતો.