IPL 2024માં ગુજરાત ટાઇટન્સ (GT)નું નેતૃત્વ યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ કરશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં પરત ફર્યા બાદ ગિલને GTના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિકના નેતૃત્વ હેઠળ, ગુજરાતે IPL 2022 માં ટાઇટલ જીત્યું હતું, જે ફ્રેન્ચાઇઝીની પ્રથમ સિઝન હતી. જ્યારે, જીટીએ 2023માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને તે રનર-અપ હતી. ગુજરાતની ટીમની કેપ્ટનશીપ મળ્યા બાદ ગિલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેણે વિશ્વાસ દર્શાવવા માટે ફ્રેન્ચાઇઝીનો આભાર માન્યો હતો.
ગિલે નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળીને મને આનંદ અને ગર્વ છે અને આવી મહાન ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. અમારી પાસે બે સિઝન અસાધારણ રહી છે અને હું અમારી રોમાંચક બ્રાન્ડ ક્રિકેટ સાથે ટીમનું નેતૃત્વ કરવા આતુર છું.” તમને જણાવી દઈએ કે ગિલે છેલ્લી બે સિઝનમાં GT માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે વર્ષ 2022માં 483 રન અને 2023માં 890 રન બનાવ્યા હતા. તેણે ગયા વર્ષે ‘ઓરેન્જ કેપ’ જીતી હતી.
જીટી ટીમના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે ગિલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં એક નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. મેદાન પરના તેમના યોગદાનને કારણે ગુજરાત ટાઇટન્સને ગણનાપાત્ર બળ તરીકે ઉભરી આવવામાં મદદ મળી છે. તેની પરિપક્વતા અને કુશળતા તેના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. શુભમન જેવા યુવા નેતા સાથે આ સફર શરૂ કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ.
આ સિવાય સોલંકીએ હાર્દિકની કેપ્ટનશિપના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે જીટીના પ્રથમ કેપ્ટન તરીકે, હાર્દિકે ફ્રેન્ચાઈઝીને બે સીઝનમાં શાનદાર પ્રદર્શન કરવામાં મદદ કરી હતી જેમાં ટીમે એક વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું અને એક વખત રનર અપ રહી હતી. તેણે હવે તેની શરુઆતની ટીમ MIમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. ઉલ્લેખનીય છે કે હાર્દિકના મુંબઈ ગયા બાદ ગુજરાતને ટ્રાન્સફર ફીના રૂપમાં 15 કરોડ ઉપરાંત મોટી રકમ મળશે. આ ફીનો એક ભાગ હાર્દિકને પણ જશે.