મુંબઇ : પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા શ્રેયસ ઐય્યરને આશા છે કે, ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટ્વેન્ટી-20 સિરીઝમાં મને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણનો મોકો મળશે અને સ્પષ્ટ કર્યું કે, હું બેટિંગમાં કોઇપણ સ્થાન પર રમવા માટે તૈયાર છું.
દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં કાલે રમાનાર પ્રથમ ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની પૂર્વ સંધ્યા પર ઐય્યરે કહ્યું કે, અત્યારે મારી ટીમમાં પસંદગી થઇ ગઇ છે ત્યારે આશા રાખું છું કે, મને રમવાની તક મળશે. જો મને ત્રણમાંથી એક પણ મેચમાં રમવાની તક મળશે તો આ સારો અહેસાસ થશે. એવું નથી કે રમવું જરૂરી છે. હું અંતિમ ઇલેવનમાં રહું કે મને બહાર બેસવું પડે, મારા માટે આ સારો અનુભવ હશે.
22 વર્ષિય ઐય્યરે કહ્યું કે, મને કોઇપણ નંબર પર બેટિંગ કરવામાં કોઇ મુશ્કેલી નથી. જો મને રમવાની તક મળશે તો કોઇપણ નંબર પર સહજ અનુભવ કરીશ અને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ. ન્યૂઝીલેન્ડ સામેની મેચની રણનીતિ પર પૂછવા પર ઐય્યરે કહ્યું કે, ન્યૂઝીલેન્ડની ટીમ પડકાર રજૂ કરનારી ટીમોમાંથી એક છે, અને ટીમને જીત માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે.