ક્રિકેટમાં રવિવારનો દિવસ ગોલ્ડન ડક ડે બની ગયો હતો, પછી તે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય કે લીગ ક્રિકેટ, તમામ સ્થળે કુલ 7 બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવ્યા વગર શૂન્ય રને આઉટ થયા હતા. 7માંથી 6 ખેલાડી ગોલ્ડન ડક જ્યારે 1 ખેલાડી ડાયમંડ ડકનો શિકાર બન્યા હતા. ગોલ્ડન ડકની આ સિરિઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના બે ખેલાડી સામેલ રહ્યા હતા.
વિરાટ કોહલી (ભારત-વેસ્ટઇન્ડિઝ બીજી ટેસ્ટ)
રવિવારે વેસ્ટઇન્ડિઝનો પહેલો દાવ 117 રને સમેટાયા પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને 21મી ઓવરમાં વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો, પણ કેમાર રોચે પહેલા જ બોલે કોહલીને વિકેટની પાછળ જેહમર હેમિલ્ટનના હાથમાં ઝડપાવીને તેને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર વિરાટ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
કોલિન મુનરો (ન્યુઝીલેન્ડ-શ્રીલંકા પહેલી ટી-20)
રવિવારે શ્રીલંકાના પલ્લેકલમાં પ્રવાસી ન્યુઝીલેન્ડ અને યજમાન ટીમ વચ્ચે પહેલી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. કીવી ટીમ શ્રીલંકાએ મુકેલા 175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે લસિથ મલિંગાએ પહેલી ઓવરમાં જ વિકેટ ઉપાડી હતી અને તેની સામે કોલિન મુનરો પહેલા બોલે જ બોલ્ડ થઇને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
સ્મૃતિ મંધાના (વેસ્ટર્ન સ્ટ્રોમ-સાઉધર્ન વાઇપર્સ કેએસએલ ટી-20)
ભારતીય મહિલા ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડમાં રમાતી મહિલા ક્રિકેટ સુપર લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં રમી રહી છે. વેસ્ટર્ન સ્ટ્રોમ વતી ઓપનીંગમાં ઉતરેલી મંધાના સાઉધર્ન વાઇપર્સની મધ્યમ ઝડપી બોલર તૈશ ફેરેન્ટ સામે પહેલા બોલે જ કેચઆઉટ થઇને ગોલ્ડન ડકનો શિકાર બની હતી. આ મેચમાં કુલ 3 ખેલાડી ગોલ્ડન ડકનો શિકાર થઇ હતી.
માઇયા બાઉચર (વેસ્ટર્ન સ્ટ્રોમ-સાઉધર્ન વાઇપર્સ કેએસએલ ટી-20)
રવિવારે વેસ્ટર્ન સ્ટ્રોમ-સાઉધર્ન વાઇપર્સ વચ્ચેની કેએસએલ ટી-20ની જે મેચમાં સમૃતિ મંધાના ગોલ્ડન ડકનો શિકાર બની હતી તે મેચમાં જ માઇયા બાઉચર શૂન્ય રને આઉટ થઇ હતી. તે મંધાનાથી વધુ કમનસીબ રહી હતી. કારણ માઇયા બાઉચર એકપણ બોલ રમ્યા વગર રન આઉટ થઇને ડાયમંડ ડકનો શિકાર બની હતી.
સોફી લફ (વેસ્ટર્ન સ્ટ્રોમ-સાઉધર્ન વાઇપર્સ કેએસએલ ટી-20)
વેસ્ટર્ન સ્ટ્રોમ-સાઉધર્ન વાઇપર્સ વચ્ચેની કેએસએલ ટી-20ની મેચમાં મંધાના અને માઇયા ઉપરાંત વધુ એક ખેલાડી ગોલ્ડન ડકનો શિકાર બની હતી. સ્મૃતિ મંધાનાની ટીમ વેસ્ટર્ન સ્ટ્રોમની વિકેટકીપર સોફી લફ પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતરી ત્યારે તેને સાઉધર્ન વાઇપર્સની બોલર એમાન્ડા જેડે પહેલા બોલે જ તેને આઉટ કરી હતી.
લુસી હિગમ (લોફબોરફ લાઇટનિંગ-સાઉધર્ન વાઇપર્સ કેએસએલ ટી-20)
મહિલાઓની સુપર લીગ ટી-20 ટુર્નામેન્ટમાં લોફબોરફ લાઇટનિંગ અને સાઉધર્ન વાઇપર્સ વચ્ચે રમાયેલી મેચમાં લુસી હિગમ સહિત કુલ 3 ખેલાડી શૂન્ય રને આઉટ થઇ હતી, જેમાં બે ગોલ્ડન ડક જ્યારે એક સિલ્વર ડકનો શિકાર થઇ હતી. 10માં ક્રમે બેટિંગમાં ઉતરેલી લુસીને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સે ગોલ્ડન ડકનો શિકાર બનાવી હતી.
ક્રિસ્ટી જોર્ડન (લોફબોરફ લાઇટનિંગ-સાઉધર્ન વાઇપર્સ કેએસએલ ટી-20)
મહિલાઓની સુપર લીગ ટી-20 ટુર્નામેન્ટમાં લોફબોરફ લાઇટનિંગ અને સાઉધર્ન વાઇપર્સ વચ્ચેની જે મેચમાં લુસી હિગમ ગોલ્ડન ડકનો શિકાર બની તે પછીના બોલે 11માં ક્રમે બેટિંગમાં આવેલી ક્રિસ્ટી જોર્ડનને પણ સુઝી બેટ્સે ગોલ્ડન ડકનો શિકાર બનાવી હતી અને તેના કારણે તેમની ટીમ 143 રને ઓલઆઉટ થઇ હતી.
જે ગાર્ડનર (લોફબોરફ લાઇટનિંગ-સાઉધર્ન વાઇપર્સ કેએસએલ ટી-20)
મહિલાઓની ક્રિકેટ સુપર લિગ ટી-20 ટુર્નામેન્ટની જે મેચમાં લુસી હિગમ અને ક્રિસ્ટી જોર્ડન ગોલ્ડન ડકનો શિકાર બની એ મેચમાં તેમના પહેલા તેમની જ ટીમની જોની ગાર્ડનર સિલ્વર ડકનો શિકાર બની હતી. ગાર્ડનર 2 બોલ રમીને શૂન્ય રને આઉટ થઇ હતી.