અહીં રમાયેલી પાંચમી બિન સત્તાવાર વન-ડેમાં ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એને 36 રને હરાવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. વરસાદને કારણે ટુંકાવીને 20 ઓવરની કરાયેલી આ વન-ડેમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને શિખર ધવનની સતત બીજી અર્ધસદી અને સંજૂ સેમસનના 48 બોલમાં 91 રનની તોફાની ઇનિંગની મદદથી 205 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેની સામે પ્રવાસી ટીમ 168 રનમાં ઓલઆઉટ થઇ હતી. સંજૂ સેમસનને મેચ પછી મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ જીતીને યજમાન ટીમે પહેલો દાવ લીધો હતો. પહેલી વિકેટ માત્ર 2 રને પડી ગયા પછી ધવન અને સેમસને મળીને ઝડપી બેટિંગ કરી હતી અને બંનેએ બીજી વિકેટની 135 રનની ભાગીદારી કરી હતી. ધવન 51 રન કરીને આઉટ થયો તે પછી સેમસન વધુ આક્રમક બન્યો હતો જો કે 16મી ઓવરમાં તે 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 91 રને આઉટ થયો હતો. કેપ્ટન ઐય્યરે 19 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી.
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પ્રવાસી ટીમે શરૂઆતની 4 ઓવરમાં જ 2 વ વિકેટ ગુમાવી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં રિઝા હેન્ડ્રીક્સે 43 બોલમાં 59 રનની જ્યારે કાઇલ વેરિને 24 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી, પણ તેઓ ટીમને જીતાડી શક્યા નહોતા.