ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી) ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે ફરી એકવાર રવિ શાસ્ત્રી પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. કપિલ દેવની આગેવાની હેઠળની સીએસીએ 6 દાવેદારોના ઇન્ટરવ્યુ લીધા પછી શાસ્ત્રીને આ જવાબદારી ફરી એકવાર સોંપી હતી. શાસ્ત્રી પછી સીએસીએ બીજા ક્રમે ન્યુઝીલેન્ડના માજી કોચ માઇક હેસન અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રે્લિયાના માજી ઓલરાઉન્ડર ટોમ મુડીને મુક્યા હતા.
રવિ શાસ્ત્રી પછી રેસમાં બીજા ક્રમે ન્યુઝીલેન્ડના માજી કોચ માઇક હેસન અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના ટોમ મુડીના નામ રહ્યા
સીએસી અધ્યક્ષ કપિલ દેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સીએસીના ત્રણે સભ્યોએ પોતપોતાના લેવલે ઇન્ટરવ્યુ કર્યા પછી માર્કિંગ કરી હતી. અમે ત્રણેએ એકબીજાને પુછ્યુ પણ નહોતું કે તમે કોને કેટલા માર્ક આપ્યા છે. અમે જ્યારે અમારા પરિણામને જોયા તો સામે એ આવ્યું કે ટોમ મુડી ત્રીજા સ્થાને રહ્યો, ન્યુઝીલેન્ડના માઇક હેસન ઘણાં પ્રતિભાશાળી છે પણ તે બીજા ક્રમે રહ્યા અને ભારતીય ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રી આ રેસમાં પહેલા નંબરે રહેતા તે આ પદે પોતાનું કામ ચાલુ જ રાખશે.
સીએસીના ત્રણે સભ્યોએ ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોને પોતાનું માર્કિંગ આપ્યું અને તેમાં શાસ્ત્રી પહેલા નંબરે રહ્યો
સીએસીએ કહ્યું હતું કે ઇન્ટરવ્યુ દરમિયાન પાંચ મુદ્દે ઉંમેદવારોને માર્કિંગ અપાયું હતું, જેમાં કોચિંગ ફિલોસોફી, અનુભવ, સિદ્ધીઓ, સંવાદ અને આધુનિક ટુલ બાબતેનું જ્ઞાન. જેમાં 20 માર્કે વેરી ગુડ, 15 માર્કે ગુડ, 10 એવરેજ અને કંગાળ માટે 5 માર્કીંગ અપાયું હતું. એ ઉલ્લેખનીય છે કે આ પદ માટેના અન્ય દાવેદારોમાં ભારતીય ટીમના માજી મેનેજર લાલચંદ રાજપુત, માજી ઓલરાઉન્ડર રોબિન સિંહ અને ફિલ સિમન્સ હતા. જો કે સિમન્સે શુક્રવારે ઇન્ટરવ્યુ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. કપિલ દેવને સંવાદ મામલે શાસ્ત્રી શ્રેષ્ઠ લાગ્યો હતો. જ્યારે અંશુમન ગાયકવાડના મતે શાસ્ત્રી ભારતીય ક્રિકેટ સિસ્ટમમાં અનુકુળ થઇ ગયો છે અને હાલના કોચ તરીકે ટીમના ખેલાડીઓને જાણતો હોવાથી તેમની સમસ્યાઓ પણ સમજતો થઇ ગયો છે.
કોચની પસંદગી પર કોહલીની પ્રાથમિકતાનો કોઇ પ્રભાવ નથી : કપિલ દેવ
ભારતીય ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવ્યા પછી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ના અધ્યક્ષ કપિલ દેવે એવું કહ્યું હતું કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જાહેરમાં કરેલી રવિ શાસ્ત્રીની તરફેણનો કોચ પસંદગી પર કોઇ પ્રભાવ રહ્યો નથી. કપિલ દેવે કહ્યું હતું કે શાસ્ત્રીને કોચ પદે પસંદ કરવા પહેલા કોહલી સાથે કોઇ વાત થઇ નથી કે તેનો મત લેવાયો નથી. કપિલે કહ્યું હતું કે જો કેપ્ટનનો મત લેવાયો હોત તો આખી ટીમનો મત લેવાયો હોત. અમારા આ નિર્ણય પર તેણે જાહેર કરેલી પ્રાથમિકતાનો કોઇ પ્રભાવ રહ્યો નથી એવું કપિલે ઉમેર્યું હતું.
રવિ શાસ્ત્રીનો ટીમ ઇન્ડિયા સાથે આ ચોથો કાર્યકાળ
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ફરી એકવાર પસંદ થયેલા રવિ શાસ્ત્રીનો આ કાર્યકાળ બે વર્ષનો રહેશે અને ભારતમાં રમાનારા 2021ના ટી-20 વર્લ્ડકપ સાથે તે પુર્ણ થશે. ટીમ ઇન્ડિયા સાથે રવિ શાસ્ત્રીનો આ ચોથો કાર્યકાળ રહેશે. આ પહેલા 2007ના બાંગ્લાદેશ પ્રવાસ સમયે તેણે ક્રિકેટ મેનેજર તરીકે લાંબી સેવા આપી હતી. તે પછી 2014થી 2016 દરમિયાન તે ટીમ ડિરેક્ટર રહ્યો હતો અને તે પછી 2017થી 2019 સુધી તેણે ટીમના મુખ્ય કોચ તરીકે ફરજ બજાવી છે અને હવે તે ફરી એકવાર મુખ્ય કોચ બન્યો છે.