દિલ્લીમાં ચાલી રહેલી દિલ્હી અને ઉત્તર પ્રદેશની ટીમ વચ્ચેની રણજી મેચ પાલમના એર ફોર્સ મેદાન પર રમાઇ રહી હતી. દરમ્યાન આ રણજી ટ્રોફી મેચમાં સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળતા તમામ ખેલાડીઓ અને મેચ અધિકારીઓ હેરાન થઇ ગયા હતા. કારણ કે, મેચ દરમિયાન એક બહારના વ્યક્તિએ પોતાની કાર મેદાન પર લઇ આવ્યો હતો, અને કાર પિચ પર ચલાવી હતી. જો કે, બાદમાં પોલીસે કાર ચાલક આરોપીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ બાદ દિલ્હી પોલીસના હવાલે કર્યો હતો.
ઘટના એવી છે કે, રણજી મેચમાં દિવસની રમત પૂરી થવાના 20 મિનિટ પહેલા સાંજે લગભગ 4-40 કલાકે ગિરીશ શર્મા નામનો એક શખ્સ ગ્રે રંગની વેગન આર કાર લઇને મેદાનમાં ધૂસી આવ્યો હતો. એ સમયે ઉત્તર પ્રદેશની ટીમની બીજી ઇનિંગ્સ ચાલી રહી હતી. આ સમયે ગૌતમ ગંભીર, ઇશાંત શર્મા અને રિષભ પંત ઘણાં હેરાન થઇ ગયા હતા. જો કે, ઇશાંત શર્મા અને કેટલાક ખેલાડીઓએ મેદાની અમ્પાયરની સાથે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાં સુધી તો ગિરીશ બે વખત પિચ પર કાર ચલાવી ચૂક્યો હતો. બાદમાં મેચ રેફરીએ દિવસની રમત પૂરી થયેલી જાહેર કરી હતી.
પોલીસ પુછપરછમાં ગિરીશે કહ્યું હતું કે, તેણે મેદાનની બહાર કોઇપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોઇ ન હતી, અને એ વાતનો પણ તેને ખ્યાલ ન હતો કે, અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રણજી મેચમાં રમી રહ્યાં છે. તેણે એમ પણ કહ્યું કે, તે રસ્તો ભૂલી ગયો હતો અને મેદાનની અંદર ઘૂસી આવ્યો હતો.
