Prithvi Shaw Century Ranji Trophy 2024: લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં વાપસી કરી છે અને શાનદાર સદી ફટકારી છે. ભારતીય ટીમની બહાર રહેલા ઓપનર પૃથ્વી શૉએ મુંબઈ તરફથી રમતા અને છત્તીસગઢ સામે બેટિંગ કરતા માત્ર 102 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જે બાદ તેણે ભારતીય ટીમ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. વાસ્તવમાં, ભારતીય ટીમ હાલમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની ઇજાઓથી સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ વિરાટ કોહલી પણ અંગત કારણોસર ટીમની બહાર છે. આવી સ્થિતિમાં પૃથ્વી શૉ માટે ફરી એકવાર ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવાની મોટી તક છે.
છત્તીસગઢ સામે સદી ફટકારી હતી
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો હાલમાં રણજી ટ્રોફી 2024માં મુંબઈ તરફથી રમી રહ્યો છે. શોએ બંગાળ સામે ઈજા બાદ પુનરાગમન કર્યું હતું, પરંતુ તે માત્ર 35 રન બનાવી શક્યો હતો. જોકે મુંબઈએ તે મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. પરંતુ છત્તીસગઢ સામે બેટિંગ કરતી વખતે શોએ માત્ર 43 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ શોએ આક્રમક રીતે પોતાની સદી તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. પૃથ્વી શૉએ માત્ર 102 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. શૉએ પોતાની સદીની ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને 2 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.
ભારત માટે ડેબ્યૂમાં સદી ફટકારી
પૃથ્વી શૉએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તે જ મેચમાં તેણે સદી ફટકારી હતી. શોએ ભારત માટે 5 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 1 સદી અને 2 અડધી સદીની મદદથી 339 રન બનાવ્યા છે. ટેસ્ટ સિવાય શૉએ ભારત માટે 6 વનડે પણ રમી છે. જેમાં તેણે માત્ર 189 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે શૉએ 2020માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની વનડે ડેબ્યૂ મેચ રમી હતી. ટેસ્ટ અને ODI સિવાય શૉએ ભારત માટે 1 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. જેમાં તે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતીય ટીમમાં વાપસીની અપેક્ષા છે
પૃથ્વી શૉએ ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમી હતી. જેમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. જે બાદ તે ભારતીય ટીમની બહાર છે. જો કે પૃથ્વી શૉના આ પ્રદર્શન બાદ પસંદગીકારો પૃથ્વી શૉને બીજી તક આપવાનું વિચારી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, શૉએ તેની બેટિંગ અને તેની ફિટનેસ પર ઘણું કામ કર્યું છે.