બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી ઓસ્ટ્રેલિયન ટીમની સાંસ્કૃતિક સમિક્ષા કરનારા એથિક્સ પ્રોફેસર ડો. સાઇમન લોંગસ્ટાફે અહીં મંગળવારે આચરણ અને સુશાસન અંગે પ્રવચન કર્યું હતુ, તેમના આ પ્રવચનને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા ટોચના અધિકારીઓએ સાંભળ્યુ હતું. વહીવટદારોની કમિટી (સીઓએ)ના સભ્યો તેમજ એનસીએના અધ્યશ્ર રાહુલ દ્રવિડે પણ આ પ્રવચન સાંભળ્યું હતું.
લોંગસ્ટાફે કહ્યુ હતું કે સામાજીક આચરણ અને ચરિત્રની સાથે પરફોર્મન્સ ઇન્સેન્ટિવ જોડાયેલું હોવું જોઇએ. સીઓએના સભ્ય લેફ્ટનન્ટ જનરલ રવિ થોડગેએ જણાવ્યું હતું કે દરેક રમત ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. લોંગસ્ટાફ અહીં કંઇક સમજાવવા આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી હતી અને તેમણે પ્રવચન આપ્યું હતું. જો કે તે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલું નહોતું તે એક સર્વસામાન્ય વાત હતી. તેમાં ભાગ લેનારા બીસીસીઆઇના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે એક મહત્વની વાત એ રહી હતી કે આર્થિક ઇન્સેન્ટિવ માટે ખેલાડીનું મેદાન પરનું પ્રદર્શન એક માપદંડ હોવો જોઇએ, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ચરિત્ર અને મેદાનની અંદર અને બહારનું આચરણ પણ ધ્યાને લેવું જોઇએ.