ભારતના સ્ટાર સ્નુકર ખેલાડી પંકજ અડવાણીએ શાનદાર પ્રદર્શન કરતા વિશ્વ સ્નુકર ચૈમ્પિયશિપની ફાઇનલ મેચમાં ઇરાનના આમિર સરખોશને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે પંકજ અડવાણીએ પોતાની કારકિર્દીમાં 18મો ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં પંકજ અડવાણીએ 8-2 થી આમિર સરખોશને હાર આપી હતી.
બેસ્ટ ઓફ 15 ફ્રેમ પ્રારૂપમાં રમાયેલી ફાઇનલ મેચમાં આમિર સરખોશે પહેલી ફ્રેમ 1-0 થી જીતી લીધી હતી. જોકે ત્યાર બાદ પંકજ અડવાણીએ સતત ચાર ફ્રેમ જીતીને 4-1થી આગળ નીકળી ગયો હતો. છટ્ઠી ફ્રેમ આમિર સરખોશે 134 નો સ્કોર કરીને જીતી લેતા મેચ રોમાંચક બની હતી.
પરંતુ પંકજ અડવાણીએ પોતાની શાનદાર રમત દાખવતા ત્યાર બાદના ચાર ફ્રેમ જીતીને મેચ અને ખિતાબ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પંકજ અડવાણીએ આ મેચ 19-71, 79-53, 98-23, 69-62, 60-05, 0-134, 75-07, 103-4, 77-13, 67-47 થી જીત મેળવી હતી. આ પહેલા પંકજ અડવાણીએ સેમી ફાઇનલમાં ઓસ્ટ્રિયાના યુવા ખેલાડી ફ્લોરીયન નુબલને 7-4 થી હાર આપી હતી.