પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મંગળવારે રાષ્ટ્રીય T20 ચેમ્પિયનશિપ દરમિયાન પોતાના બેટ પર પેલેસ્ટાઈન ધ્વજનો ઉપયોગ કરવા બદલ વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાન પર લગાવવામાં આવેલ મેચ ફીના 50 ટકા દંડને સંપૂર્ણપણે માફ કરી દીધો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોઈન ખાનના પુત્ર આઝમને બે દિવસ પહેલા PCB મેચ રેફરીએ તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો હતો કારણ કે તેણે તેના બેટમાંથી પેલેસ્ટાઈન ધ્વજનું સ્ટીકર હટાવવાનો ઇનકાર કર્યો હતો.
આઝમ મેચ દરમિયાન અમ્પાયરની સૂચનાઓનું પાલન કરવામાં વારંવાર નિષ્ફળ રહ્યો હતો. આ પીસીબીની ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની આચાર સંહિતાની કલમ 2.4નું ઉલ્લંઘન છે. પીસીબીએ દંડ સંપૂર્ણપણે માફ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી. આઝમ આગામી મેચોમાં તેના બેટમાંથી સ્ટીકર હટાવવા માટે સંમત થયા છે કે નહીં તે અંગે પણ બોર્ડે કોઈ માહિતી આપી નથી.
“પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મેચ અધિકારીઓ દ્વારા આઝમ ખાન પર લાદવામાં આવેલા દંડના 50 ટકાની સમીક્ષા કરવામાં આવી છે અને તેને માફ કરવામાં આવ્યો છે,” પીસીબીએ સંક્ષિપ્ત રિલીઝમાં જણાવ્યું હતું.
પીસીબીએ જણાવ્યું કે, “કરાચી વ્હાઈટ્સ’ ટીમનો વિકેટકીપર-બેટ્સમેન કરાચી સ્ટેડિયમમાં ‘લાહોર બ્લૂઝ’ સામે નેશનલ બેંક T20 કપ 2023-24ની મેચ દરમિયાન લેવલ-વનના અપરાધ માટે દોષી સાબિત થયો હતો.” જેના કારણે મેચ ફીના 50 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ મેચનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ)ના નિયમો અનુસાર, ખેલાડીઓ અને ટીમના અધિકારીઓને પરવાનગી વિના તેમના ઉપકરણો અથવા વસ્ત્રો પર કોઈપણ પ્રકારનું પ્રદર્શન અથવા વ્યક્તિગત સંદેશ પ્રદર્શિત કરવાની મંજૂરી નથી. આ માટે PCB ક્રિકેટ ઓપરેશન્સ વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી છે.
આ દંડના કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ ચાહકો પર હોબાળો થયો હતો અને લોકોએ દંડ લગાવવા બદલ બોર્ડની ટીકા કરી હતી. આઝમે પાકિસ્તાન માટે છેલ્લી મેચ 2021માં જ રમી હતી. તેની ઓળખ એવા ખેલાડીની છે જે મોટા શોટ સરળતાથી ફટકારે છે.
ભારતમાં તાજેતરના ODI વર્લ્ડ કપ દરમિયાન પણ, પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું. જો કે, ICCએ તેને તેનો અંગત અભિપ્રાય માનીને તેને દંડ કર્યો નથી.