ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 14 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. આ ટેસ્ટ સિરીઝ પહેલા પાકિસ્તાન અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે ચાર દિવસીય વોર્મ-અપ મેચ રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે કંઈક એવું બન્યું જેનાથી ચાહકો દંગ રહી ગયા. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમામ-ઉલ-હક બેટિંગમાં ફ્લોપ રહ્યો, પરંતુ બોલિંગમાં કંઈક એવું કર્યું જેની કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. ઈમામે પોતાની સ્પિનના જાળામાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનના કેપ્ટન નાથન મેકસ્વીનને ફસાવી દીધો અને પાકિસ્તાન તરફથી મીર હમઝાએ આ બોલ પર શાનદાર કેચ લીધો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મેચ કેનબેરાના માનુકા ઓવલ મેદાન પર રમાઈ રહી છે. પાકિસ્તાનને આશા હતી કે વિકેટ ઝડપી બોલરોને મદદ કરશે, પરંતુ અત્યાર સુધી આ પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર સાબિત થઈ છે.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 9 વિકેટે 391 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેપ્ટન શાન મસૂદે બેવડી સદી ફટકારી હતી. ત્રીજા દિવસની રમતના અંતે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવનએ ચાર વિકેટે 367 રન બનાવ્યા હતા. મેટ રેનશો 136 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ મેચમાં પાકિસ્તાન તરફથી અત્યાર સુધી આઠ બોલરો બોલિંગ કરી ચૂક્યા છે. જેમાં ઇમામ ઉલ હકે 9 ઓવર ફેંકી હતી અને આ દરમિયાન તેણે માત્ર 12 રન આપીને એક વિકેટ લીધી હતી.
Mir Hamza takes a beauty to send PM’s XI skipper Nathan McSweeney on his way #PMXIvPAK pic.twitter.com/vXbS8EUYir
— cricket.com.au (@cricketcomau) December 8, 2023
ઈમામના બોલ પર મીર હમઝાએ જે પ્રકારનો કેચ લીધો તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ઈમામ ઉપરાંત પાકિસ્તાન તરફથી ખુર્રમ શહજાદ, અબરાર અહેમદ અને ફહીમ અશરફે એક-એક વિકેટ લીધી છે. પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન માટે કેમરન બેનક્રોફ્ટે 53 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય માર્કસ હેરિસે 49 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેમેરોન ગ્રીને 46 રનની ઇનિંગ રમી હતી. બ્યુ વેબસ્ટર મેટ રેનશો સાથે બીજા છેડે છે. વેબસ્ટરે અત્યાર સુધીમાં 21 રન બનાવ્યા છે.