ભારતીય ટીમના બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોર દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે રમાનારી સિરીઝથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે ત્યારે શુક્રવારે રાઠોરે કહ્યું હતું કે ભારતીય ટેસ્ટ ટીમના ટોપ ઓર્ડર અને વન-ડે ટીમના મિડલ ઓર્ડરનું પ્રદર્શન મારી મુખ્ય ચિંતા છે.
સંજય બાંગરનું સ્થાન લેનારા રાઠોરનું કામકાજ ગુરૂવારથી શરૂ થઇ ગયું છે અને તેના માટે મુખ્ય પડકાર દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે શરૂ થઇ રહેલી ટી-20 અને ટેસ્ટ સિરીઝ રહેશે. રાઠોરે બીસીસીઆઇની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું કે વન-ડેમાં મિડલ ઓર્ડર એટલું સારું પ્રદર્શન નથી કરી રહ્યું તો ટેસ્ટમાં ઓપનીંગ ભાગીદારીમાં એ સમસ્યા છે. અમારી પાસે વિકલ્પ છે અને તેમાં ઘણી તંદુરસ્ત સ્પર્ધા છે. આપણે તેમના માટે વધુ સાતત્યપૂર્ણ થવાની પદ્ધતિ શોધવાની જરૂર છે.
રાઠોરે કહ્યું હતું કે 50 ઓવરના ફોર્મેટમાં શ્રેયસ ઐય્યર અને મનિષ પાંડે સારા વિકલ્પ તરીકે દેખાઇ રહ્યા છે. તેણે કહ્યું હતું કે શ્રેયસ ઐય્યરે છેલ્લી બે મેચમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે અને આપણી પાસે મનિષ પાંડે પણ છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ અને ભારતની સાથે સારુ પ્રદર્શન કર્યું છે. તેઓ એવા બેટ્સમેન છે જે પોતાનું કામ બખુબી કરવાનું કૌશલ્ય ધરાવે છે.