પહેલી વન-ડે હાર્યા બાદ આજે પુણેમાં બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી છે. ન્યુઝીલેન્ડ ટીમે પોતાની વિનીંગ ટીમને જાળવી રાખી છે. જ્યારે ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ચાયનામેન કુલદીપ યાદવની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ત્યારે આજની મેચમાં ક્રિકેટ એક્સપર્ટ અને પુર્વ સુકાની સુનીલ ગાવસ્કરના કહેવા પ્રમાણે 300થી વધુનો સ્કોર થઇ શકે છે. જો ન્યુઝીલેન્ડ 300થી વધુનો સ્કોર થશે તો ભારતને બીજી ઇનીંગમાં રમવું તકલીફ પડી શકે છે.
જોકે એકાદ મેચના પરાજયથી ભારતીય ટીમને ઓછી આંકી શકાય નહીં અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ આ બાબત સારી રીતે જાણે છે. ભારત પાસે વળતો પ્રહાર કરવાની તાકાત છે અને તેની ટીમ અત્યંત શક્તિશાળી છે ત્યારે એમ પણ બની શકે કે આ મેચમાં ભારત જોરદાર પ્રહાર કરીને પરત ફરે. વિરાટ કોહલીએ રવિવારે સદી ફટકારી હતી. ટીમના અન્ય ખેલાડી એકાદ મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ કેવી રીતે પરત ફરવું તે જાણે છે અને ભારતીય બોલિંગમાં હજી પણ કાંઈ નબળાઈ આવી ગઈ નથી. ભારત પાસે એક જ ચિંતા છે કે તેને આ મેચ કેવી રીતે જીતવી. તેના તમામ જમા પાસા વચ્ચે એક ઉધાર પાસું એ છે કે તે હાલમાં 0-1થી પાછળ છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી ત્યારે કોઈએ એવી અપેક્ષા રાખી નહીં હોય કે પહેલી મેચમાં જ તે મુંબઈ ખાતે ભારતને હરાવી દેશે. સામાન્ય રીતે ત્રણ મેચની સિરીઝમાં પ્રથમ મેચમાં હાર્યા બાદ પરત ફરવું મુશ્કેલ હોય છે પરંતુ તાજેતરના ફોર્મને જોતાં ભારત માટે આ સમસ્યા હોવી જોઇએ નહીં અને તે ચેમ્પિયનની માફક પ્રદર્શન કરીને પરત ફરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ન્યૂઝીલેન્ડની ટીમ જૂનમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા બાદ પહેલી વાર ઇન્ટરનેશનલ મેચ રમી રહી હતી તે જોતાં તેમનો દેખાવ પ્રશંસનીય રહ્યો હતો. રવિવારે ન્યૂઝીલેન્ડ માટે રોઝ ટેલર અને ટોમ લાથમે મજબૂત બેટિંગ કરી હતી અને બેવડી સદીની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી.
તેમણે યુઝવેન્દ્રસિંહ ચહલ અને કુલદીપ યાદવ સામે પણ મક્કમ બેટિંગ કરી હતી. આ બંને બોલર્સ સામે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન ઝઝૂમતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ વાનખેડે ખાતે ફોર્મમાં ન હતી તેમાં શંકા નથી પરંતુ વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. શિખર ધવન અને રોહિત શર્માએ તેનું મૂળ ફોર્મ દાખવવું પડશે. રોહિત શર્માએ થોડા સમય અગાઉ વન-ડેમાં બે વખત બેવડી સદી નોંધાવી હતી પરંતુ તાજેતરના ગાળામાં તેની પાસેથી અપેક્ષા રખાય છે તેવું ફોર્મ તે દાખવી શક્યો નથી.