શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે રાત્રે રમાયેલી વરસાદથી પ્રભાવિત પહેલી ટી-20માં રોસ ટેલર અને કોલિન ડિ ગ્રાન્ડહોમની ભાગીદારીની મદદથી પ્રવાસી ન્યુઝીલેન્ડે યજમાન શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ મુકેલા 175 રનના લક્ષ્યાંકને ન્યુઝીલેન્ડે ટેલરના 48 અને ગ્રાન્ડહોમના 44 રનની સાથે બંને વચ્ચે થયેલી 79 રનની ભાગીદારીના પ્રતાપે 19.3 ઓવરમાં 5 વિકેટના ભોગે કબજે કરી લીધો હતો.
અંતિમ ઓવરોમાં ડેરિલ મિશેલે નોટઆઉટ 25 અને મિચેલ સેન્ટનરે નોટઆઉટ 14 રન કરવા સાથે 2.4 ઓવરમાં 31 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 39 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી. શ્રીલંકા વતી કુસલ મેન્ડિસે 79 રનની ઇનિંગ રમતા તેઓ 174 રનનો સ્કોર બનાવી શક્યા હતા.