ભારતીય મહિલા ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને માજી કેપ્ટન મિતાલી રાજે ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષની મિતાલીએ 89 ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 2,364 રન કર્યા છે, જે આ ફોર્મેટમાં કોઇપણ ભારતીય દ્વારા બનાવાયેલા સર્વાધિક રન છે.
ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં મિતાલીએ કહ્યું હતું કે હવે તે ઓડીઆઇ પર ફોકસ કરશે અને 2021ના વર્લ્ડ કપની તૈયારીમાં પોતાની ઉર્જા લગાવશે. મિતાલીએ 32 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું, જેમાં 2012, 2014 અને 2016નો વર્લ્ડકપ સામેલ છે. તે 2006માં ભારતની પહેલી ટી-20 કેપ્ટન બની હતી.
મિતાલીએ આ વર્ષે 9 માર્ચે ગુવાહાટીમાં પોતાની છેલ્લી ટી-20 મેચ રમી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં તેણે 32 બોલમાં 30 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. ટી-20માંથી નિવૃત્તિ પછી હવે તે વનડે પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.